દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકોના મતાધિકારને છીનવી રહી છે. રવિવારે વૃદ્ધોના ઘરે જઇને તેમનું મતદાન કરાવવા દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ભાજપના કાર્યકરો પણ હાજર હતા. ચૂંટણી પંચ હવે ખુલીને ભાજપ સાથે જોવા મળી રહ્યું છે. ભારતીય લોકશાહી માટે આ ખૂબ જ ખતરનાક છે. ચૂંટણી પંચે પણ AAPના આરોપોનો જવાબ આપ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રશ્નોના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું, “સામાન્ય ચૂંટણી 2024ની જેમ, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ચોક્કસ જૂથોના મતદારોની પહોંચ વધારવા માટે ઘરેલું મતદાનની સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો છે.” 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PwD)ને મતદાનની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
-> સુવિધા માટે, 12D અરજી ફોર્મ ભરવાનું રહેશે :- ચૂંટણી પંચે કહ્યું કે, “આ સુવિધા માટે લાયક મતદારોએ ઘરેલુ મતદાન સુવિધા માટે અરજી કરવા ફોર્મ 12D ભરવાનું રહેશે. અત્યાર સુધીમાં, દિલ્હી માટે 85+ વરિષ્ઠ નાગરિકો તરફથી 6447 અરજીઓ અને 1058 અશક્ત મતદારો તરફથી અરજીઓ મળી છે. અત્યાર સુધીમાં લગભગ 1271 વરિષ્ઠ નાગરિકો અને 120 વિકલાંગ મતદારોએ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો છે. આવેદન મંજુરી થયા બાદ ચૂંટણી અધિકારી અને સુરક્ષાકર્મીઓ સહિતની ટીમ સત્તાવાર મતદાન દિવસ પહેલા મતદાતાના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. ભાજપના કાર્યકર ચૂંટણી પંચની ટીમ સાથે હોવાના આક્ષેપ પર, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, “સમગ્ર પ્રક્રિયા અને રૂટ પ્લાન વિધાનસભા મતવિસ્તારના તમામ ઉમેદવારો સાથે શેર કરવામાં આવશે અને ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ મતદાન ટીમની સાથે રહેશે. “ટીમ મતદારને એક બેલેટ પેપર આપશે અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેની ખાતરી કરશે.
-> હોમ વોટિંગ વિકલ્પ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે :- ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે મતદારો આ હોમ વોટિંગ સુવિધા પસંદ કરશે તેમને ચૂંટણીના દિવસે મતદાન મથક પર મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ હોમ વોટિંગ વિકલ્પ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરીને, આ પહેલ સમાવેશી મતદાન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.”