B INDIA સુરત : સુરત શહેરમાં વિદ્યાર્થિની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ સૌથી ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યા છે કે, ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીને સજા આપવામાં આવી હતી, જે અંગે ખોટું લાગતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.
વિદ્યાર્થિનીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાની માહિતી સામે આવી રહી છે. આક્ષેપ અનુસાર, બાળકીને બહાર તો ક્યારેક ટોઈલેટ પાસે ઉભી રાખતા હતા. ધો. 8ની વિદ્યાર્થિનીને સંચાલકો સજા આપતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ મૃતકના પરિવારનું કહેવું છે કે, બે દિવસ સુધી ટોઈલેટ પાસે ઉભી રાખવાની સજા આપી હતી. જેના કારણે બાળકીને લાગી આવતા ઘરે ફાંસો ખાઈ લીધો હતો.
ધોરણ 8ની વિદ્યાર્થિનીના આપઘાત અંગે તેના પરિવારજનોના આ ગંભીર આક્ષેપો બાદ સચિન પોલીસે પણ તપાસ શરૂ કરી છે. અને વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો સ્કૂલમાં તપાસ શરૂ કરી દીધી છે.