B INDIA અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂલ ઓફ સાયન્સના આંકડાશાસ્ત્ર વિભાગના વડા સામે માનસિક ત્રાસની ફરિયાદો ઊઠી છે. યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને અધ્યાપક સામે લેખીત ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.આ અરજીમાં અરજદારનું નામ લખ્યા વિના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે, પ્રોફેસરે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા.જોકે આ અંગે યુનિ. સત્તાધીશો દ્વારા તપાસ થયા બાદ હકીકત સામે આવી શકે છે.
તો બીજી તરફ અધ્યાપક દ્વારા મીડિયા સમક્ષ એવુ પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, યોગ્ય તપાસ થવી જોઈએ મને બદનામ કરવા માટે કોઇએ ફરીયાદ કરી છે.આંકડાશાસ્ત્ર વિભાગના વડા તરીકે ફરજ બજાવતાં પ્રો. પ્રવિન્દર સિંઘ સામે તેમના જ વિદ્યાર્થીઓના નામે માનસિક ત્રાસ, અન્યાય અને ગેરરીતિની ફરીયાદ કરી હતી. આ ફરીયાદમાં પ્રોફેસર દ્વારા એમએસસીના વિદ્યાર્થીઓની કારર્કિદી બરબાદ કરી નાખવાની ધમકી આપવામાં આવતી હોવા સહિતના અનેક ઉલ્લેખો કરાયા હતા. એટલું જ નહીં પ્રોફેસર સામે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેટલીક વિદ્યાર્થિનીઓના શરીરને લઇને ભૂતકાળમાં બિભત્સ ટીપ્પણી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. બીજી તરફ આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. કુલપતિ નેક મેળવવાની લ્હાયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સામે આંખ આડા કાન કરીને ફરીયાદ સાંભળતાં નથી. તાકીદે આ લંપટ અધ્યાપકને સસ્પેન્ડ કરીને સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત્ત ન્યાયધીશની તપાસ કમિટીની રચના કરવા પણ માગણી કરાઈ હતી. બીજી બાજુ પ્રોફેસરે આજે મીડિયા સમક્ષ પોતે તપાસ માટે તૈયાર હોવાનું અને બદનામ કરવા માટે કોઇએ ફરિયાદ કરી હોવાનો બચાવ કર્યો હતો.