B INDIA અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. સાથે સાથે 27 જાન્યુઆરી 2025 સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે. તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શકયતાઓ પણ સેવાઈ રહી છે.રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 27 ટકા OBC અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.
તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવુ પણ માનવામાં આવ્યુ છે. રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે 10 ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત જજ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટ માં રાજ્ય સરકારે કરેલી છે.ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે.
ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં 105 થી વધીને 229, 248 તાલુકા પંચાયતોમાં 506 થી વધીને 1085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતોમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે.સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે તો ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.