B india દ્વારકા :- બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ, બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે. એક હજાર પોલીસ અને એસ.આર.પી. જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.
-> 110 થી વધુ મકાનો તોડી પડાયા :- બેટ દ્વારકામાં બે દિવસમાં 110 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા. 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. નોંધનીય છે કે, શનિવારે વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે હજુ પણ યથાવત્ રહી છે.
મહત્વનું છે કે, દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર કામ કરી રહ્યું છે. જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય ખંભાળિયાના બન્ને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરમાંથી પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.