B india અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. પાટીદાર દીકરી સાથે થયેલ અન્યાય સાખી નહીં લેવાય તેવી ધાનાણીએ ચિમકી ઉચ્ચારી છે. પાયલની પડખે રહેનાર પરેશ ધાનાણીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવાની ઉગ્ર માંગ કરતા આંદોલનની ચીમકી આપી છે.
-> ધાનાણીનું સરકારને અલ્ટીમેટમ :- કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું. ધાનાણી કહ્યું કે, 24 કલાકની અંદર આ મામલે પગલા નહીં લેવાય તો આ આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત રહેશે નહીં. ધાનાણીએ પાયલ ગોટી સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ લડાઈ ફક્ત માત્ર પાયલ ગોટી કે પાટીદારની નહીં પરંતુ સમગ્ર સમાજની દીકરીઓની લડાઇ છે. 10 વાગ્યા બાદ આગામી રણનીતિ જાહેર કરીશું.
-> પાયલને ન્યાય અપાવવા આગેવાનોને હાકલ :- પરેશ ધાનાણીએ અગાઉ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પાટીદાર દીકરીને ન્યાય અપાવવા સમાજના આગેવાનો અને નેતાને હાકલ કરી હતી. ધાનાણીએ આજે સરકારને અલ્ટીમેટમ આપતા પાયલને પટ્ટો મારનારના પટ્ટા ઉતારવા સામે પડકાર ફેંકયો. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, લાજ લેનારા સામે લડત આપીશું. ભરબજારમાં કુંવારી કન્યા પાટીદાર દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢનાર સામે પગલાં નહીં લેવાય તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહી રહે.
-> શું હતો સમગ્ર મામલો :- નકલી લેટરકાંડ મુદ્દે અમરેલી જિલ્લા પોલીસે પાયલ ગોટીની અટકાયત કરી હતી. અને તેના બાદ જાહેરમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે, થોડા જ સમયમાં પાયલ ગોટીની જેલમાંથી મુક્ત કરાઈ હતી. બહાર આવ્યા બાદ પાયલ ગોટીએ જાહેરમાં પોલીસ પર પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. પાયલને ન્યાય અપાવવા મેદાને આવેલા પરેશ ધાનાણી અને તેમના સહયોગી ગઈકાલે એક દિવસના ઉપવાસ પર ઉતર્યા હતા.