પાકિસ્તાનમાં ગમખ્વાર બસ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી, 40નાં મોત; 8 ગંભીર રીતે ઘાયલ

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બલુચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાં થયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ બલુચિસ્તાનથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી
બલુચિસ્તાન સરકારના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલ અનુસાર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને 8 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બૂગ્ટીના નિર્દેશ પર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બલુચિસ્તાનની રેસ્ક્યુ ટીમો ઉપરાંત ખૈબર પખ્તુનખ્વાના બચાવ દળોએ પણ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

રસ્તામાં અન્ય બસના મુસાફરો પણ ચઢ્યા હતા
શેરાની જિલ્લાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, બસમાં શરૂઆતમાં 36 મુસાફરો સવાર હતા. જોકે માર્ગમાં બીજી એક બસ ખરાબ થઈ જતાં તેના 12 મુસાફરો પણ આ બસમાં સવાર થયા હતા. જેના કારણે અકસ્માત સમયે બસમાં કુલ 48 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ ખીણમાં પડતાં 40 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 8 ઘાયલોને રેસ્ક્યુ-1122ની ટીમ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણોની તપાસ શરૂ
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસ અને સંબંધિત અધિકારીઓએ કેસ નોંધ્યો છે અને બસ ખીણમાં કેવી રીતે ખાબકી તેની તપાસ શરૂ કરી છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ, ઓવરસ્પીડિંગ અને વાહનોની તકનીકી ખામીઓના કારણે આવા ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવતી રહી છે.

 

 

 

 

  • Related Posts

    અમેરિકા સાથેની ડીલના સમર્થનમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કહ્યું- યુદ્ધમાંથી બહાર નીકળવાનો આ જ શ્રેષ્ઠ રસ્તો

    ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાની સાથે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU)નું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. પેઝેશ્કિયાને આ કરારને ઈરાનને લાંબા સમયથી ચાલી રહેલી ‘ન યુદ્ધ, ન શાંતિ’ જેવી સ્થિતિમાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ રસ્તો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કરારમાં ઈરાનના આત્મસમર્પણની કોઈ જોગવાઈ નથી અને દેશ પોતાના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવેલી નીતિઓ અનુસાર જ આગળ વધશે. પેઝેશ્કિયાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જૂનમાં થયેલા સમજૂતી કરાર માટે નક્કી કરવામાં આવેલી 60 દિવસની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. આ કરારનો મુખ્ય હેતુ યુદ્ધવિરામ જાળવવો, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અંતિમ સમજૂતી તરફ આગળ વધવું અને વ્યૂહાત્મક…

    ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીં

    ગુજરાતમાં હાલ ચોમાસાની સિસ્ટમો સક્રિય હોવા છતાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રિજિયનમાં વરસાદી ગતિવિધિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રફ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. જોકે, આ સિસ્ટમોની સ્થિતિ એવી નથી કે જેના કારણે ગુજરાતમાં વ્યાપક અથવા ભારે વરસાદ થઈ શકે. તેથી આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ…