ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ, વડોદરામાં બેઠક અને પાકિસ્તાની સંપર્કની તપાસ

રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ATSના જણાવ્યા મુજબ, આરોપીઓ ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઉભું કરવાની દિશામાં સક્રિય હતા. તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન
ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હોવાની અને તેની સૂચનાઓ મુજબ કામગીરી કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ATSના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી સામગ્રીમાં પાકિસ્તાની ધ્વજ સહિત કેટલાક ડિજિટલ દસ્તાવેજો અને ફાઇલોનો સમાવેશ થાય છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ
ATS દ્વારા નીચેના આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
– અહમદ અબ્દુલ્લા ગાજીવાલા
– ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
– મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા
– ઝકારિયા દુરાની
– મુફ્તિ ઇસ્માઇલ દૌવા ફૌજાન
– મોહમ્મદ અમીન શેરા
– મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
– બિલાલ મોહમ્મદ

ઉત્તર ગુજરાત સાથે કનેક્શનની તપાસ
ગુજરાત ATSના ડીઆઈજી (ઓપરેશન) સુનિલ જોશીએ જણાવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક લોકોના જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધોની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે આરોપીઓ વિવિધ સ્થળોએ રહેતા હતા અને દેશવિરોધી પ્રવૃત્તિઓના પ્રચાર તેમજ સંગઠનનું નેટવર્ક વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ ATS કચેરી લાવવામાં આવ્યા છે.

મોબાઇલમાંથી મળ્યું જેહાદી સાહિત્ય
ATSના જણાવ્યા અનુસાર, એક આરોપીના મોબાઇલ ફોનમાં એનક્રિપ્ટેડ એપ્લિકેશન મારફતે જેહાદી સાહિત્ય, ઓડિયો-વિડિયો, ફોટોગ્રાફ્સ અને જૈશ-એ-મોહમ્મદ સંબંધિત ડિજિટલ સામગ્રી મળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જપ્ત કરાયેલી તમામ સામગ્રીની વિગતવાર ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ફંડિંગ અને વડોદરામાં બેઠકની પણ તપાસ
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આરોપીઓને આશરે ₹3 લાખનું ફંડિંગ મળ્યાની માહિતી મળી છે. ઉપરાંત, બે-ત્રણ મહિના પહેલાં વડોદરામાં સંગઠન સાથે જોડાયેલી એક બેઠક યોજાઈ હોવાની વિગતો પણ તપાસ હેઠળ છે. ATSનું કહેવું છે કે કેટલાક આરોપીઓ મદ્રેસામાં અભ્યાસ કરતા અથવા શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા હતા. જોકે, તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તમામ તથ્યોની કાયદેસરની પ્રક્રિયા મુજબ ચકાસણી કરવામાં આવી રહી છે.

 

 

 

 

  • Related Posts

    ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે સરકારને હાઇકોર્ટની આકરી ટકોર, કહ્યું- ‘5 મહિનાથી આદેશ છતાં પાલન કેમ નથી?’

    કચ્છના નડાબેટ, નળ સરોવર અને થોળ સહિતના ઇકો-સેન્સિટિવ ઝોનમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે વિદેશી પક્ષીઓના આગમન પર પડી રહેલી અસર અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજી…

    ચોમાસાની એન્ટ્રી છતાં અમદાવાદમાં અધૂરા રોડ અને ખોદકામથી લોકો પરેશાન, AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

    ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર ફરી સવાલો ઊભા થયા છે. કોર્પોરેશને 15 જૂન સુધીમાં તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, નવા રોડ ખોદકામ…