ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યની આસપાસ એકસાથે ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
10 કલાકમાં 109 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 10 કલાક દરમિયાન 109 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.
માંગરોળમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ
વરસાદી આંકડાઓ અનુસાર, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ અંદાજે 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી.
આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે 2 જુલાઈ માટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જામજોધપુરમાં પાંચ કલાકમાં 7 ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે લગભગ 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના માત્ર પાંચ કલાકમાં અંદાજે 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક ખાલી રિક્ષા-છકડો પાણીમાં તણાતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તંત્રની લોકોને અપીલ
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારો નજીક ન જવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ રહે તેવી શક્યતા છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





