જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કેશોદ અને માંગરોળમાં 12 કલાકમાં સાડા 9 ઇંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કેશોદ અને માંગરોળ તાલુકામાં અંદાજે સાડા 9 ઇંચ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને બચાવ કામગીરી માટે NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

કેશોદ અને માંગરોળમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર
સતત વરસી રહેલા વરસાદને કારણે કેશોદ અને માંગરોળ તાલુકામાં નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ શહેરના દોલતપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સોંદરડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. બીજી તરફ, ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

નોળી નદીમાં ઘોડાપૂર, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો
માંગરોળ પંથકમાં સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેના કારણે અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે. વલ્લભગઢ નજીકનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. રૂદલપુર, માનખેત્રા, હુસેનાબાદ અને શીલ સહિતના ગામોમાં પાણી ભરાતા ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ ગામોના સરપંચો સાથે સંપર્ક કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

NDRFની ટીમ સ્ટેન્ડબાય, તંત્ર હાઈ એલર્ટ પર
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેશોદના પ્રાંત અધિકારી, મામલતદાર અને અન્ય અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે વડોદરાથી NDRFની એક ટીમ કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ
વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને નદી-નાળા નજીક ન જવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તેથી રાહત અને બચાવ દળોને સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યા છે.

 

 

 

 

  • Related Posts

    અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં વાગી ગોળી

    અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીની પૂછપરછ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાબી…

    ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, માંગરોળમાં 9 ઇંચ વરસાદ

    ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો…