ઉત્તર પ્રદેશની મેરઠ પોલીસે પ્રખ્યાત કોમેડિયન-એક્ટર સુનીલ પાલના અપહરણના કેસમાં કડક કાર્યવાહી કરી છે. મંગળવારે મેરઠ પોલીસે સુનીલ પાલના કથિત અપહરણ કેસમાં 5 ફરાર આરોપીઓ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી લવ પાલ પોલીસની પકડમાંથી બહાર છે અને તેની શોધખોળ પુરજોશમાં ચાલી રહી છે.’PTI-ભાષા’ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) વિપિન ટાડાએ જણાવ્યું છે કે આરોપીઓમાં લવ ઉર્ફે સુશાંત ઉર્ફે હિમાંશુ, આકાશ ઉર્ફે ગોલા ઉર્ફે દીપેન્દ્ર, શિવા, અંકિત ઉર્ફે પહારી અને શુભમનો સમાવેશ થાય છે જેઓ હાલમાં ફરાર છે.SSPએ કહ્યું- “તમામ પાંચ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, અને પોલીસ તેમને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે સતત વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. અર્જુન કરનવાલની આ કેસમાં મેરઠ પોલીસ દ્વારા એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી છે.
-> શોના નામે અપહરણ થયું :- તમને જણાવી દઈએ કે, 2 ડિસેમ્બરે સુનીલ પાલને એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેનું દિલ્હી-મેરઠ હાઈવે પરથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ સુનિલ પાલને 24 કલાક સુધી બંધક બનાવી રાખ્યો હતો અને લગભગ 8 લાખ રૂપિયાની ખંડણી વસૂલ્યા બાદ તેને છોડી મૂક્યો હતો.
આના પગલે સુનીલની પત્ની સરિતાએ મુંબઈમાં ઝીરો એફઆઈઆર નોંધાવી હતી, જે બાદમાં મેરઠના લાલકુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બાદ મેરઠ પોલીસે દાવાઓની તપાસ શરૂ કરી હતી. સુનીલ પાલે આ મામલે પોલીસની તાત્કાલિક કાર્યવાહી માટે સોશિયલ મીડિયા પર યુપી પોલીસ, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી.