બંગાળમાં TMCમાં મોટો બળવો! 20 બાગી સાંસદો NCPIમાં વિલય કરશે, NDAને આપશે સમર્થન

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાગી સાંસદોના એક જૂથે પાર્ટીથી અલગ થઈ પ્રાદેશિક પક્ષ Nationalist Citizens Party of India (NCPI)માં વિલય કરવાની જાહેરાત કરી છે. બાગી સાંસદોએ દાવો કર્યો છે કે તેઓ હવે NDAને સમર્થન આપશે, જેના કારણે બંગાળના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની અટકળો તેજ બની છે.

રવિવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને TMCના અનેક બાગી સાંસદોએ બેઠક યોજી હતી. લગભગ બે કલાક ચાલેલી આ બેઠક બાદ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

બાગી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો કે TMCના 20 સાંસદો તેમના જૂથ સાથે છે, જે પાર્ટીની લોકસભાની કુલ સંખ્યાના બે-તૃતીયાંશથી વધુ છે. તેમણે જણાવ્યું કે તેમનું જૂથ NCPIમાં વિલય થઈ રહ્યું છે અને હવે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ NDA સાથે મળીને કામ કરશે.

વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે પણ બળવાખોર જૂથને સમર્થન આપતાં જણાવ્યું કે તેમનો જૂથ NCPIમાં ભળી ગયો છે. તેમણે કહ્યું કે હવે કોર્ટ નક્કી કરશે કે “વાસ્તવિક TMC” કોની ગણાશે.

બીજી તરફ, TMCમાં વધી રહેલા આંતરિક અસંતોષ વચ્ચે પાર્ટી નેતૃત્વે સંગઠનમાં ફેરફારો શરૂ કર્યા છે. કેટલાક બાગી નેતાઓને મહત્વના પદોથી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પગલું પાર્ટી પર ફરીથી નિયંત્રણ મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ TMC પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ઘમંડ, ભ્રષ્ટાચાર અને આંતરિક કલહના કારણે પાર્ટી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. તેમણે દાવો કર્યો કે આગામી દિવસોમાં TMCમાં વધુ વિખવાદ સામે આવી શકે છે.

જો બાગી સાંસદોના દાવા મુજબ મોટી સંખ્યામાં સાંસદો NDAને સમર્થન આપે છે, તો તે પશ્ચિમ બંગાળની રાજનીતિ સાથે સાથે રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વપૂર્ણ અસર પેદા કરી શકે છે. હાલ તમામની નજર TMCના આગામી પગલાં અને આ સમગ્ર મામલાના કાનૂની તથા રાજકીય પરિણામો પર ટકેલી છે.

 

 

  • Related Posts

    ઓમાનમાં ભારતીય નાવિકનું મોત, FSUIએ ઉઠાવ્યા ગંભીર સવાલ

    ઓમાનના દુકમ બંદર પર ડોક કરાયેલા એક ટેન્કર જહાજમાં ભારતીય નાવિકના મૃત્યુ બાદ વિવાદ સર્જાયો છે. વિશ્વભરના ભારતીય નાવિકોનું પ્રતિનિધિત્વ કરતી ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI)એ જહાજ માલિકો અને…

    MPમાં ટ્રેનમાં આગની અફવાએ લીધો 4 લોકોનો જીવ, ગભરાઈને કૂદેલા મુસાફરોને બીજી ટ્રેને અડફેટે લીધા

    મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનમાં આગ લાગ્યાની અફવા ફેલાતા ગભરાયેલા મુસાફરો ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે, પાટા પર ઉતરેલા મુસાફરોને સામેથી આવી રહેલી…