અમદાવાદમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે આદરી સઘન કાર્યવાહી

– ૧૨ દિવસમાં ૨૯૦ નમૂનાઓની તપાસ, ૭ અનસેફ અને ૨૧ સબસ્ટાન્ડર્ડ નમૂનાઓ સામે કાર્યવાહી
– શહેરભરમાં ૧૨ દિવસમાં ૨૯૦ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા
– ૭ નમૂનાઓ માનવ આરોગ્ય માટે અસુરક્ષિત જાહેર
– ૨૧ નમૂનાઓ ગુણવત્તા ધોરણથી નીચા નોંધાયા
– પાણીપુરીના પાણીમાં પ્રતિબંધિત કલર મળતાં લારીઓ જપ્ત
– એનાલોગ પનીર વાપરતા ૨૭ એકમો સામે કડક કાર્યવાહી

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સઘન અભિયાન હાથ ધરતાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તા. ૧૯ મેથી ૩૦ મે ૨૦૨૬ દરમિયાન AMCના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ચલાવવામાં આવેલી તપાસ દરમિયાન કુલ ૨૯૦ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક નમૂનાઓ માનવ આરોગ્ય માટે જોખમી હોવાનું બહાર આવ્યું છે.

કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, ઠંડા પીણા, જ્યુસ, શેરડીનો રસ, દૂધ-પનીર, મીઠાઈ, મસાલા, ખાદ્ય તેલ સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ૬ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન AMCની ટીમે શહેરના ૫૯૯ ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરી હતી. જેમાં ૨૦૨ નોટિસો ફટકારવામાં આવી હતી, જ્યારે અંદાજે ૫૯૨ કિલોગ્રામ અને ૫૧૧ લીટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૫.૧૬ લાખ રૂપિયાથી વધુનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા ૧૨૪ ટીપીસી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

પાણીપુરીના ધંધા સાથે સંકળાયેલા એકમોમાંથી લેવામાં આવેલા ૮૬ પાણીના નમૂનાઓમાંથી ૭ નમૂનાઓમાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળી આવતા AMCએ સંબંધિત પાણીપુરી લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અંગે વારંવાર ઉઠતા પ્રશ્નો વચ્ચે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં એનાલોગ પનીરના ગેરકાયદેસર ઉપયોગ સામે પણ AMCએ કડક વલણ અપનાવ્યું છે. તપાસ દરમિયાન ૨૭ જેટલા ખાદ્ય એકમોમાં મિલ્ક પનીરના સ્થાને એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. AMCએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ આવા ગેરકાયદેસર ઉપયોગ સામે માત્ર દંડાત્મક જ નહીં પરંતુ સીલીંગ જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

બોડકદેવ વિસ્તારમાં આવેલી મોકા કાફે નામની ખાદ્ય એકમ સામે પણ AMCએ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ મુજબ જરૂરી સ્વચ્છતા અને હાઇજીનના માપદંડો જળવાતા ન હોવાનું સામે આવતા જાહેર આરોગ્યના હિતમાં એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું હતું.

મે માસ દરમિયાન AMC દ્વારા કુલ ૮૬૨ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૭ નમૂનાઓ અનસેફ જાહેર થતાં સંબંધિત વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે, જ્યારે ૨૧ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહી થશે. ચાલુ મહિનામાં ૧૪૬૪ ખાદ્ય એકમોની તપાસ દરમિયાન ૭૨૪ નોટિસો આપવામાં આવી હતી અને ૧૦.૫૧ લાખ રૂપિયાથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે આગામી દિવસોમાં વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો સામે FSSA તથા GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વધતા જોખમ વચ્ચે AMCની આ કાર્યવાહીથી અનેક વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે, ત્યારે બીજી તરફ નાગરિકો વધુ કડક અને સતત દેખરેખની માંગ કરી રહ્યા છે.

 

 

 

  • Related Posts

    ગુજરાતમાં 3 હવામાન સિસ્ટમ સક્રિય: 6 દિવસ વરસાદની આગાહી, IPL ફાઇનલ પર પણ વરસાદનું સંકટ

    ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં હાલ ત્રણ અલગ-અલગ હવામાનીય સિસ્ટમ સક્રિય હોવાનું જણાવતાં આગામી છ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ…

    સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યું RCB, ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની રોમાંચક ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને 5 વિકેટે હરાવી સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2025…