ડી-કેબિનમાં મેગા ડિમોલિશન, આઈ.પી. મિશન સ્કૂલનું દબાણ તૂટ્યું; ₹8,600 વહીવટી દંડ વસૂલ

– પશ્ચિમ ઝોનમાં AMCનો બુલડોઝર મોડ યથાવત

ચાંદખેડાથી પાલડી સુધી ટી.પી. રોડ ખુલ્લા કરાયા, લારીઓ-કાઉન્ટર-બોર્ડ સહિત 145થી વધુ સામાન જપ્ત

પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં શુક્રવારે હાથ ધરાયેલી મેગા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ડી-કેબિન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પશ્ચિમ ઝોન)ની સીધી દેખરેખ હેઠળ ચાલેલી આ ડ્રાઇવમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી જાણીતી આઈ.પી. મિશન સ્કૂલ દ્વારા ટી.પી. રોડ પર કરવામાં આવેલા દબાણનો પણ ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. AMCએ સમગ્ર અભિયાન દરમિયાન કુલ ₹8,600નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

AMCની મેગા ડ્રાઇવ એક નજરે
– કુલ 10 લારી/કાઉન્ટર જપ્ત
– 134 બોર્ડ-બેનર-સ્ટીકર દૂર
– 145 પરચુરણ સામાન જપ્ત
– 3 વાંસવળી જપ્ત
– ₹8,600 વહીવટી ચાર્જ વસૂલ
– ચાંદખેડા, રાણીપ, નારણપુરા, પાલડી અને સ્ટેડિયમ વિસ્તારમાં કાર્યવાહી
– ટી.પી. રોડ અને જાહેર માર્ગો દબાણમુક્ત કરાયા

પશ્ચિમ ઝોનમાં ક્યાં શું તૂટ્યું?

ચાંદખેડા વોર્ડમાં વિસતથી ઝુંડાલ સુધીના આઇકોનિક રોડ પર આવેલા 2 રહેણાંક, 3 કોમર્શિયલ અને 1 ધાર્મિક દબાણ દૂર કરી ટી.પી. મુજબનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાળીનાથ ચોકથી IOC રોડ સુધી દબાણ રાઉન્ડ લઈ 3 લારીઓ, 1 ટેમ્પો અને 32 જેટલો પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ટી.પી. સ્કીમ નં. 20 હેઠળ કરવામાં આવી, જ્યાં વાળીનાથ ચોકથી રેલવે લાઇન સુધીના 18 મીટરના ટી.પી. રોડ પર આવેલા આઈ.પી. મિશન સ્કૂલના દબાણનો ભાગ દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો હતો.

નારણપુરા વિસ્તારમાં અખબારનગર અન્ડરપાસથી રન્ના પાર્ક સુધી જાહેર રોડ પરના ગેરકાયદેસર દબાણો સામે અભિયાન હાથ ધરાયું હતું. અહીંથી 3 સાદી લારીઓ, 2 ડેડ ફોર વ્હીલર, 15 કેરેટ અને 120 બોર્ડ-બેનર દૂર કરવામાં આવ્યા હતા. પાલડી વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાલક્ષ્મી ચાર રસ્તાથી સુવિધા ચાર રસ્તા સુધી રોડ સાઇડ દબાણો સામે કાર્યવાહી કરી કાઉન્ટર અને લારીઓ જપ્ત કરાઈ હતી. જ્યારે સ્ટેડિયમ વિસ્તારમાં ઇન્કમટેક્સથી વાડજ સર્કલ અને આર.ટી.ઓ. સુધીના પટ્ટામાંથી સોફા, લાકડાના કબાટ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

“ઝીરો ટોલરન્સ”નો સંદેશ

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ ટી.પી. રોડ, જાહેર માર્ગ અને ટ્રાફિક અવરજવર પર અસર કરતા દબાણો સામે હવે “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રોડ ખુલ્લા થતા ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને જાહેર સુવિધાઓમાં સુધારો થશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ પશ્ચિમ ઝોન સહિત શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

 

 

 

  • Related Posts

    ગુજરાતમાં 3 હવામાન સિસ્ટમ સક્રિય: 6 દિવસ વરસાદની આગાહી, IPL ફાઇનલ પર પણ વરસાદનું સંકટ

    ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં હાલ ત્રણ અલગ-અલગ હવામાનીય સિસ્ટમ સક્રિય હોવાનું જણાવતાં આગામી છ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ…

    સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યું RCB, ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની રોમાંચક ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને 5 વિકેટે હરાવી સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2025…