ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ: ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા દબાણ કરાતું હોવાનો CIPDનો દાવો

દેશમાં ઈંધણ સંકટ અને વૈશ્વિક સ્તરે વધતી અસ્થિરતા વચ્ચે હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા ‘કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ’ (CIPD)એ આરોપ લગાવ્યો છે કે HPCL ડીલરો પર સામાન્ય પેટ્રોલના બદલે મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા માટે દબાણ કરી રહ્યું છે.

CIPDના દાવા મુજબ HPCLના અધિકારીઓ ડીલરોને પ્રીમિયમ પેટ્રોલ વેચવા માટે મજબૂર કરી રહ્યા છે. સંસ્થાનું કહેવું છે કે સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલ વચ્ચે પ્રતિ લિટર આશરે 9 રૂપિયાનો તફાવત છે, જેના કારણે ગ્રાહકો પર સીધી આર્થિક અસર પડી શકે છે. ડીલરોનું માનવું છે કે ગ્રાહકોની જરૂરિયાત અને પસંદગી વિના મોંઘું પેટ્રોલ વેચાવવું યોગ્ય નથી.

સંસ્થાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જો ડીલરો પ્રીમિયમ પેટ્રોલ વેચવા માટે તૈયાર ન થાય તો તેમને સમયસર સ્ટોક ઓર્ડર આપવામાં આવતો નથી. CIPDએ સ્પષ્ટ કહ્યું છે કે આવી પ્રથા માત્ર HPCLમાં જ જોવા મળી રહી છે, જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) તરફથી આવું કોઈ દબાણ કરવામાં આવતું નથી.

આ મામલે CIPD દ્વારા 13 મેના રોજ HPCLના ડાયરેક્ટર (માર્કેટિંગ)ને પત્ર લખીને તાત્કાલિક આ પ્રથા બંધ કરવાની માંગ કરવામાં આવી છે. સંસ્થાએ દાવો કર્યો છે કે આ પ્રકારની જબરદસ્તી આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 (Essential Commodities Act)ના નિયમોનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય અને પ્રીમિયમ પેટ્રોલ વચ્ચેનો મુખ્ય તફાવત તેના ઓક્ટેન રેટિંગ અને એડિટિવ્સમાં હોય છે. સામાન્ય પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ સામાન્ય રીતે 91 હોય છે, જે મોટાભાગના વાહનો માટે પૂરતું માનવામાં આવે છે. જ્યારે પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ 95 કે તેથી વધુ હોય છે, જેના કારણે એન્જિનની કામગીરી વધુ સ્મૂથ રહેતી હોવાનું કહેવાય છે અને ‘એન્જિન નોકિંગ’ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. દેશમાં પહેલેથી જ ઈંધણ બચત અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે આવા આરોપો સામે આવતા પેટ્રોલિયમ ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

 

 

  • Related Posts

    આજના મોટા સમાચાર: અમદાવાદમાં 4:39 વાગ્યે અનુભવાયો ભૂકંપનો આંચકો Breaking News

    Ahmedabad Earthquake News: વહેલી સવારે 4:39 વાગ્યે ધરા ધ્રુજી, અમદાવાદથી 29 કિમી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં હતું ભૂકંપનું કેન્દ્ર, કોઈ જાનહાનિ નહીં અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપના…

    ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

    ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ…