મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ બનાવવામાં આવ્યું, રાજ્ય સરકાર શિક્ષણના સર્વાંગી વિકાસ દ્વારા ‘જ્ઞાનશક્તિ’થી વિકસિત ગુજરાતનો પાયો મજબૂત કરવા પ્રતિબદ્ધ. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ગોધાવીમાં નિર્માણ પામશે નવું ભવ્ય શૈક્ષણિક સંકુલ. સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવશે. પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે ભવિષ્યલક્ષી શિક્ષણ પર્યાવરણ પૂરું પાડવાનો સંસ્થાનો સંકલ્પ
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા અમદાવાદમાં ગોધાવી ખાતે નિર્માણ પામનારા નવા શૈક્ષણિક સંકુલ ‘શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર’નું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું.
આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ બનાવવામાં આવ્યું છે. જ્યારે શિક્ષણમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય થાય છે ત્યારે જ જવાબદાર નાગરિકનું ઘડતર થાય છે.
સાણંદ વિસ્તાર આજે વિશ્વના નકશા પર સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર જેવી સંસ્થાઓ નવી પેઢીને ઇનોવેટિવ સ્કિલ્સ અને વેલ્યુ બેઝ્ડ એજ્યુકેશન આપીને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉભરતી ઉજ્જવળ તકો માટે તૈયાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ અંગે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ રૂ. ૬૩ હજાર કરોડ જેટલું માતબર બજેટ ફાળવીને ‘જ્ઞાનશક્તિ’થી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવેલી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના આવા વિઝનરી અભિગમમાં આ શૈક્ષણિક સંકુલ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે સંસ્થાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ‘ઇન્ટ્યુશન પ્રોસેસ’ના નિદર્શનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં યોગ અને જ્ઞાન દ્વારા બાળકોમાં ચેતના જગાડવાનું કાર્ય અભિનંદનને પાત્ર છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે આ સંસ્થા ભાવી પેઢીનું શ્રેષ્ઠ ઘડતર કરશે તેવી મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે સંસ્થાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ શૈક્ષણિક સંકુલ દ્વારા વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. શિક્ષણ સાથે સંસ્થાની આધ્યાત્મિક તાલીમ બાળકોમાં એકાગ્રતા વધારવા સાથે યોગ્ય સંસ્કારોનું સિંચન કરીને અદભૂત ક્ષમતાઓ વિકસાવે છે, જે તેમને સર્વાંગી વિકાસ સાધવા અને જીવનમાં આગળ વધવા માટે પથદર્શક સાબિત થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ સાથે અમદાવાદમાં ગોધાવી ખાતે હાલમાં કાર્યરત શૈક્ષણિક સંકુલ ઉપરાંત નવું નિર્માણ પામનાર આ નવું એજ્યુકેશન કેમ્પસ એક સર્વસમાવેશક શિક્ષણ પરિસર તરીકે વિકસિત થશે, જેમાં CBSE આધારિત અભ્યાસક્રમની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવશે.
આ કેમ્પસમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્સ એકેડેમી, સંગીત-નૃત્ય અને નાટ્યકલા માટે પર્ફોર્મિંગ એન્ડ ક્રિએટિવ આર્ટસ એકેડેમી, વૈજ્ઞાનિક અભિગમ માટે ટેકનોલોજી અને ઇનોવેશન એકેડેમી તેમજ નેતૃત્વના ગુણો વિકસાવવા માટે બિઝનેસ એકેડેમી જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
આ પ્રકલ્પ દ્વારા પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે એક એવું ભવિષ્યલક્ષી શિક્ષણ પર્યાવરણ પૂરું પાડવાનો સંસ્થાનો સંકલ્પ છે, જ્યાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રગતિની સાથે જીવનકૌશલ્ય અને મજબૂત મૂલ્યવ્યવસ્થામાં પણ પારંગત બને.
શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલના ભૂમિપૂજન પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અગ્રણીઓ સર્વે રોહિતભાઈ ચોકસી, શૈલેષભાઈ દાવડા, શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર સંસ્થાના ટ્રસ્ટી ગણ મેહુલભાઈ પરીખ, નિલેશભાઈ દેસાઈ, ઉલ્લાસભાઈ શાહ, ધ્રુવભાઈ શાહ, શંકરભાઈ પટેલ, ચેતનભાઈ ગુંદેલા, શિક્ષક ગણ સહિત સંસ્થાના હિમાબેન પરીખ, પારૂલબેન મોદી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.





