નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો

*નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો*
******
*મહિલા સશક્તીકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ અન્નપૂર્ણા દેવી*
*******
*જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ*
*******
*SDG-5 એટલે કે જાતીય સમાનતા માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સહકારથી કાર્ય કરવાની જરૂર છે: ડૉ. એમ. શ્રીનિવાસ, સભ્ય, નીતિ આયોગ*
******

નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 ‘જેન્ડર ઇક્વાલિટી’ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા સશક્તીકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને ડેટા આધારિત નીતિ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે મહિલાઓના સર્વાંગી સશક્તીકરણ માટે ડેટા આધારિત નીતિઓ અને ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપ સમયની માંગ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રિયલ-ટાઈમ મોનિટરિંગ એપ્સ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાઓનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે.

તેમણે જણાવ્યું કે મહિલા શ્રમશક્તિમાં સતત વધારો, સ્વસહાય જૂથોની સફળતા અને ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ જેવી ઐતિહાસિક પહેલો દેશને મહિલા કેન્દ્રિત વિકાસ તરફ આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું કે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે નીતિ નિર્માણ અને પાયાથી અમલીકરણ વચ્ચેનું અંતર દૂર કરવું જરૂરી છે.

મંત્રીશ્રીએ તમામ હિતધારકોને સહકારાત્મક અભિગમ અપનાવી વિશાળ જેન્ડર બજેટનો અસરકારક ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું અને આત્મનિર્ભર તથા સમાનતા આધારિત ભારતના નિર્માણ માટે મહિલા નેતૃત્વને કેન્દ્રસ્થાને રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

*રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ*

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલે જણાવ્યું હતું કે જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે. મહિલાઓને વિકાસ પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને રાખીને જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકાશે.

તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તીકરણ માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને સિદ્ધિઓની વિગતો રજૂ કરતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે જેન્ડર બજેટ અંતર્ગત રૂ. 1.62 લાખ કરોડની ફાળવણી કરી છે, જે રાજ્યના કુલ બજેટના 39.94 ટકા જેટલું છે.

મહિલા અને બાળ વિકાસ સંબંધિત ક્ષેત્રોમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં માતૃત્વ સુરક્ષા હેઠળ પ્રસૂતિ સહાયનું કવરેજ 8.9 ટકાથી વધીને 97.7 ટકા થયું છે. ઉપરાંત, સંસ્થાકીય પ્રસૂતિનો દર 99.94 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે માધ્યમિક શિક્ષણમાં ‘જેન્ડર પેરિટી ઇન્ડેક્સ’ 1.02 સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત, મહિલા સ્વ-સહાય જૂથો માટે ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ લિંકેજ 40 ટકાથી વધીને 91.93 ટકા થયું છે અને જનધન ખાતાધારકોમાં મહિલાઓનો હિસ્સો 51 ટકા કરતાં પણ વધુ છે તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રી ડૉ. મનીષા વકીલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, ‘કન્યા કેળવણી મહોત્સવ’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ જેવાં અભિયાનોએ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ પ્રયાસોને વધુ ગતિ મળી છે તેમ તેમણે જણાવ્યું હતુ.

આ વર્કશોપમાં વર્ષ-2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સરકાર, નીતિ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ હિતધારકો વચ્ચે વધુ અસરકારક સહભાગિતાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું કે SDG-5 એટલે કે જાતીય સમાનતા માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સહકારથી કાર્ય કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે નીતિ આયોગની કાર્યપદ્ધતિ એકબીજાથી શીખવાની અને સફળ મોડલ્સને અપનાવવાની છે.

તેમણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સફળ પહેલોને વિકાસશીલ દેશો માટે પ્રેરણાદાયી ગણાવી હતી અને ‘નારી ગૌરવ શક્તિ’ જેવા અભિગમની પ્રશંસા કરી હતી. અંતમાં તેમણે મહિલાઓની વધતી ભાગીદારીને SDG-5ના લક્ષ્યો તરફ દેશની મજબૂત પ્રગતિનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

આ પ્રસંગે નીતિ આયોગના શ્રી રાજીબ કુમાર સેને સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ વર્કશોપમાં UNRC ના કો-ઓર્ડીનેટર સ્ટીફન પ્રિસ્નર, નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર સુશ્રી અન્ના રોય, IIM-અમદાવાદના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે પ્રો. વિદ્યા વેમીરેડ્ડીએ ભારતમાં વિકાસ એજન્ડા SDG 5 પર વિસ્તૃત જાણકારી આપી હતી. SDG-5 રિપોર્ટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ કમિશનર શ્રી રંજીતકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
******

  • Related Posts

    સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત

    *સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત* *શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24…

    7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ

    7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન, ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી * ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં…