ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી ‘વિકસિત ભારત @2047‘ના વિઝનને સાકાર કરવાનો છે. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર પ્રાદેશિક સિદ્ધિઓના પ્રદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક રોકાણો દ્વારા રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે. VGRCના સફળ પરિણામોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વિવિધ ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, અને આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, એરોસ્પેસ, સંરક્ષણ, ફિનટેક, બાયોટેક/બાયોફાર્મા, ESDM, IT & ITeS અને એમ.એસ.એમ.ઈ જેવા ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકો વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમની સાથે જ એક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઉદ્યમી મેળા અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પૂરું પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસના અભિગમ સાથે અગાઉ તારીખ 9-10 ઓક્ટોબર 2025 માં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત અને તારીખ 11-12 જાન્યુઆરી 2026 માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ માટે સફળતાપૂર્વક આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલી પરિષદમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગીદાર તરીકે જોડાઈને વૈશ્વિક સહયોગના દ્વાર ખોલ્યા હતા. હવે સુરત ખાતે યોજાનારી આગામી કોન્ફરન્સ દક્ષિણ અને મધ્ય ગુજરાતના પાયાના ઉદ્યોગોને સશક્ત બનાવીને રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં નવું પ્રકરણ ઉમેરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






