CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000 ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું.

કૃષિ મંત્રીજીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રીરમેશ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી.

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે બેક ટુ બેઝિકનો મંત્ર અપનાવી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડી લેવા તથા આવી ખેતીથી ઉત્પાદિત થયેલા ઉત્પાદનોના વ્યાપક ઉપયોગ માટે આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આત્મસંતોષ મળે તેવું કામ આ ધરતીપુત્રોએ કર્યુ છે તેમ તેમણે ખેડૂતોને પ્રેરણા આપતા કહ્યું હતું.

તેમણે એમ પણ ઉમેર્યું કે, રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ રાજ્યના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનું જન આંદોલન ઉપાડ્યું છે. તેઓ ગામે ગામ જઈને આ માટે માર્ગદર્શન પણ આપે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ હવે સમયની માંગ અને આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય બની ગઈ છે ત્યારે જેટલા જલ્દી આ ખેતી તરફ વળીશું તેટલો જલ્દી ફાયદો મળશે.

આ પ્રસંગે કૃષિ મંત્રીજીતુ વાઘાણીએ કહ્યું કે, ભારત સરકારે દેશી ગાય આધારિત અને સરળતાથી ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી રસાયણમુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ સમગ્ર દેશમાં શરૂ કરાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણે રાજ્યમાં આ મિશન હેઠળ ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક એમ કુલ 1015 ક્લસ્ટર કાર્યરત કર્યા છે અને બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં પણ ત્રણ-ત્રણ ગ્રામ પંચાયત દીઠ એક એમ 3875 નોન મિશન હેઠળના ક્લસ્ટરની રચના કરી કુલ 4890 જેટલા ક્લસ્ટરની રચના કરી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

એટલું જ નહીં, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મળી રહે તે માટે 7100 મોડલ ફાર્મ નિર્માણ થયા છે. આ વર્ષના બજેટમાં પણ પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારે રૂ.392 કરોડનું પ્રાવધાન કર્યું છે એમ પણજીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવઆર. સી. મીણા, ગુજરાત એગ્રોના એમ.ડી.વિજય ખરાડી, ખેતી નિયામકરાજેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનાપટેલ અને અધિકારીઓ તથા લાભાર્થી ગ્રામીણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ₹7,690 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી…