મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે.
આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે 1,20,60,000 ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ 14 સ્થળોએ આશરે 1,36,291 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકો (JETCO)ને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ 7 સ્થળોએ અંદાજે 31,010 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે 25,795ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા બોર્ડને તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, કચ્છ, વલસાડ, અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં જ્યારે, જેટકોને ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પોરબંદર, વલસાડ, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે.
આ જમીન ફાળવણીથી રાજ્યમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધશે. તદુપરાંત, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ ગુજરાત નવી ઊંચાઈઓ સર કરશે. આ નિર્ણય રાજ્યના પાયાના માળખાને વધુ મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





