વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યપાલએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી 9 થી 15 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી.

સરદાર વલ્લભ પટેલ તથા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “યુનિટી માર્ચ – સરદાર @150”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ ઉમેર્યું કે, આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની હતી. વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી જનજાતિ સમાજના યોગદાનને સન્માન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઈ હતી.

રાજ્યપાલએ ઉમેર્યું કે, રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. સી.એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) અમલમાં મૂકાયો છે. I-ORA પોર્ટલ તથા GARVI-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે. જેથી નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે.

વહીવટી વિકેન્દ્રીકરણને પ્રાથમિકતા આપી નવા જિલ્લા અને તાલુકાઓની રચના કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં પણ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય.

રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે. રાજ્યમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યના 19 લાખથી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ છે. 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યમાં 7100 મોડેલ ફાર્મની સ્થાપના કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત જાહેર કરવામાં આવ્યો છે. તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા ખેડૂતોને રાસાયણમુક્ત ખેતી તરફ પ્રેરણા આપવામાં આવી રહી છે.

બાગાયત ક્ષેત્રે પણ રાજ્યએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગીરની કેસર, વલસાડી હાફુસ, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુ જેવા ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત વિવિધ સહાય યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જે અન્વયે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રૂ. 22 હજાર કરોડથી વધુ સહાય 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને સીધી જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદ સામે ખેડૂતોને સહાય માટે ચાલુ વર્ષે માતબર રકમના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત ૩૩ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૯,૬૧૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા વર્ષમાં 30,000થી વધુ યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર દ્વારા 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાની યોજના છે.

‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ સરકારી કર્મચારીઓને રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના નેતૃત્વનો અવસર ગુજરાતને મળ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ માં દેશના માનનીય વડાપ્રધાનતેમજ જર્મનીના માનનીય ચાન્સેલરની પ્રેરક ઉપસ્થિતિએ રાજ્યના ઉત્સવને વૈશ્વિક ફલક પર મૂકી એક નવી ઓળખ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૧૨૧ યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહી છે.

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીઓ તથા ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ…

15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું

15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ…