હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ


મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ

તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કર્યુ : ૨૮ હજાર હેક્ટર જમીન થશે લાભ

રૂ. ૬૫૧ કરોડની બોરીસાવર યોજનાનું ઇ-ખાતમુહૂર્તથી સોનગઢ-વ્યારાના ૨૯ ગામોના ૮ હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મુક્યો છે. વડાપ્રધાનશ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે. આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છીએ. સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ અને બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને તેમની ખેતી સમૃદ્ધ થશે.

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયિની સમાન છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસના પથ પર મક્કમતાથી આગળ વધી રહી છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, પ્રજાકલ્યાણ અને માળખાગત સુવિધાઓના નિર્માણ દ્વારા રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

તેમણે બંને ઉદ્વહન સિંચાઈ યોજનાના લાભ સાથે ડ્રિપ ઇરિગેશન પર મળતી સબસિડીનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતના સુચારુ જળ વ્યવસ્થાપન અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત રૂ. ૯૬૨.૧૨ કરોડની ઉકાઈ જળાશય યોજના આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાના ૧૩૬ ગામોની ૨૮ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ સાથે જ, રૂ. ૬૫૧.૩૭ કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી બોરીસાવર યોજના દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના ૨૯ ગામોની ૮ હજાર હેક્ટરથી વધુ જમીન પણ સિંચાઈ સુવિધાથી સજ્જ થશે.

રમત-ગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે પણ આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખુલ્લી મુકાયેલી બે બહુમૂલ્ય યોજનાઓ અને ખેડૂતોના સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ તકે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઇશ્વરસિંહ પટેલ અને ડો. જયરામભાઈ ગામીતે કાર્યક્રમ સ્થળે તાપી મૈયાના નીર વધામણા કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જળ સંપત્તિ વિભાગના સચિવશ્રી પી.સી.વ્યાસ, જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ-આમંત્રિતો, જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારી-કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો-ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

.

  • Related Posts

    વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…