રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 9.8 થી લઈ 20.02 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. બુધવારે નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 20.02 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.
ગુજરાતમાં તાપમાન નીચું જશે
તો બીજી તરફ ઉત્તર તરફથી પવનો ફૂંકાતા તાપમાન નીચું જશે. તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુથી સાઈક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની શક્યતાઓ છે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.






