મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

——–
કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કાર્યરત થયું
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નારાયણા હોસ્પિટલ, અમદાવાદના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્સરની સારવારને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં નારાયણ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સેન્ટરની મુલાકાત લઈ ને હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓની માહિતી મેળવી હતી.


આ કેન્દ્ર ‘હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ’થી સજ્જ છે અને આ સારવાર પદ્ધતિ ખાસ કરીને અદભુત ઝડપ અને ચોકસાઈ માટે જાણીતી છે.
કેન્સરના ટ્યુમરની આસપાસના તંદુરસ્ત કોષો (ટિશ્યુઝ) પર થતી આડઅસરને નહિવત કરીને હાઈ-પ્રિસિઝન, ઈમેજ-ગાઈડેડ સારવાર આ ટેક્નોલોજી દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના પ્રારંભ સાથે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં હવે મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી એમ ત્રણેય વિભાગો ઉપલબ્ધ થયા છે અને ‘ઇન્ટિગ્રેટેડ કેન્સર કેર’ સારવાર શક્ય બની છે.
એટલું જ નહિ, અમદાવાદ અને આસપાસના જિલ્લાના લોકોને હવે કેન્સરની સંપૂર્ણ સારવાર સરળતાએ એક જ સ્થળે થી મળી રહેશે.
આ વેળાએ નારાયણા હેલ્થના સ્થાપક અને ચેરમેન ડૉ. દેવી શેટ્ટી , ફેસિલિટી ડાયરેક્ટર શ્રી હેમંત ભટનાગર, કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. તસ્નીમ નલવાલા તેમજ ગણમાન્ય તબીબો, આમંત્રિતો અને હોસ્પિટલના સેવાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






