લોકસભામાં ચર્ચા વિના પાસ થયું ટેક્સેશન બિલ 2026, શું ભવિષ્યમાં UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?

લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ‘ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ ચર્ચા વિના જ પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં ટેક્સ કાયદા ઉપરાંત ડિજિટલ પેમેન્ટ, વિદેશી રોકાણ અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ સુધારાઓનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક બનાવવાનો, ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વેગ આપવાનો અને દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે.

લોકસભામાં આ બિલ હવે ઈનકમ ટેક્સ એક્ઝેમ્પ્શન ઓર્ડિનન્સ, 2026નું સ્થાન લેશે અને તેની સાથે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.

UPI પેમેન્ટ પર હાલ નહીં લાગે કોઈ ચાર્જ

લોકસભામાં બિલમાં સૌથી વધુ ચર્ચા UPI અને ડિજિટલ પેમેન્ટને લઈને થઈ રહી છે. લોકસભામાં બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ 10Aમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે, જેના કારણે ભવિષ્યમાં UPI, RuPay કાર્ડ અને અન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગુ રહેલી ઝીરો MDR (Merchant Discount Rate)ની વ્યવસ્થામાં ફેરફાર શક્ય બનશે.

જોકે હાલ સામાન્ય લોકો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લોકસભામાં સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો નથી. આ બિલ માત્ર સરકારને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે MDR લાગુ કરવાનો કાનૂની અધિકાર આપે છે. એટલે કે ક્યારે, કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન પર અને કેટલો ચાર્જ લાગુ કરવો તે અંગેનો અંતિમ નિર્ણય સરકાર સમય પ્રમાણે કરશે.

શું છે MDR અને કેમ છે મહત્વપૂર્ણ?

MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, જે ડિજિટલ પેમેન્ટ દરમિયાન વેપારી પાસેથી વસૂલવામાં આવતો સર્વિસ ચાર્જ છે. હાલમાં UPI અને RuPay ટ્રાન્ઝેક્શન માટે સરકારે ઝીરો MDRની નીતિ અપનાવી છે, જેથી ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન મળી શકે. જો ભવિષ્યમાં સરકાર MDR લાગુ કરવાનો નિર્ણય લે છે તો તેનો પ્રભાવ વેપારીઓ અને કેટલાક પ્રકારના ડિજિટલ વ્યવહારો પર પડી શકે છે. જોકે હાલ આવા કોઈ નિર્ણયની જાહેરાત કરવામાં આવી નથી.

વિદેશી રોકાણ વધારવાનો સરકારનો પ્રયાસ

બિલનો બીજો મહત્વપૂર્ણ હેતુ દેશમાં વિદેશી મૂડીરોકાણ વધારવાનો છે. વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં ઝડપથી આવી રહેલા પરિવર્તનો વચ્ચે ભારત પોતાના મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માંગે છે. સરકારનું માનવું છે કે જો વિદેશી રોકાણકારોને સરળ નીતિઓ અને ટેક્સમાં રાહત આપવામાં આવશે તો તેઓ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરશે.

આ માટે બિલમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ને કેટલીક ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણથી મળતા વ્યાજ અને કેપિટલ ગેઈન પર ટેક્સમાં રાહત આપવામાં આવી છે. સરકારને આશા છે કે આ પગલાથી ભારત વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બજાર બની શકશે.

સામાન્ય લોકો પર શું પડશે અસર?

નવા બિલને લઈને ઘણા લોકોમાં એ પ્રશ્ન છે કે શું તેમના ઇનકમ ટેક્સમાં કોઈ ફેરફાર થશે? હાલના તબક્કે આ બિલથી સામાન્ય કરદાતાના ઇનકમ ટેક્સમાં કોઈ સીધી અસર થવાની નથી.

સરકારનું માનવું છે કે લાંબા ગાળે આ બિલથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે. જો વિદેશી રોકાણમાં વધારો થશે તો નવા ઉદ્યોગો સ્થાપિત થશે, ઉત્પાદન વધશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. પરિણામે યુવાનોને વધુ રોજગાર મળશે અને અર્થતંત્રને ગતિ મળશે.

‘મેક ઈન ઈન્ડિયા’ને મળશે નવી મજબૂતી

બિલમાં સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ટેક્સ રાહતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલીક કંપનીઓને મળતી ટેક્સ રાહતનો સમયગાળો પાંચ વર્ષનો હતો, જેને હવે વધારીને 15 વર્ષ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, સર્વર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે વધુ પ્રોત્સાહિત થશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનશે અને સ્થાનિક સપ્લાય ચેઇનને પણ લાભ મળશે.

ડાયમંડ ઉદ્યોગને પણ મળશે મોટો લાભ

બિલમાં ભારતના હીરા ઉદ્યોગ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ અને બ્રોકર્સને વર્ષ 2041 સુધી કેટલીક ટેક્સ રાહતો આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ભારતના હીરા ઉદ્યોગમાં વધુ રોકાણ આવશે અને વૈશ્વિક બજારમાં દેશની સ્થિતિ વધુ મજબૂત બનશે.

ભારત પહેલાથી જ હીરા કટિંગ અને પોલિશિંગ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે. નવી નીતિથી આ ક્ષેત્રમાં રોજગારી અને નિકાસ બંનેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચર્ચા વિના બિલ પાસ થતાં રાજકીય ચર્ચા તેજ

બિલના પ્રાવધાનો જેટલી જ ચર્ચા તેને લોકસભામાં ચર્ચા વિના પસાર કરવામાં આવ્યો તે મુદ્દે પણ થઈ રહી છે. વિપક્ષે આ પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે બિલ દેશના આર્થિક વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે.

હાલ માટે સૌથી મહત્વની બાબત એ છે કે UPI પેમેન્ટ પર કોઈ નવો ચાર્જ લાગુ થયો નથી. જોકે નવા કાયદા દ્વારા સરકારને ભવિષ્યમાં MDR અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેથી આગામી સમયમાં સરકાર કયા પ્રકારના નિયમો બનાવે છે તેના પર વેપારીઓ, ગ્રાહકો અને સમગ્ર ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની નજર રહેશે.

 

 

Related Posts

‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…

Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત

દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…