દેશભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આગામી દિવસોમાં દેશના 17 રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદાખ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે.
કેટલાક વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વીજળી પડવાની અને વૃક્ષો તેમજ માળખાકીય નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો માટે ખાસ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે. જોકે બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. આગામી 24 મે સુધી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે. અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ઉત્તરપ્રદેશનું બાંદા શહેર સૌથી ગરમ રહ્યું હતું, જ્યાં તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિવસ સાથે રાત્રિના સમયમાં પણ ગરમીમાં વધારો થતાં લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. 20 મે માટે રાજસ્થાનના 17 જિલ્લાઓ, ઉત્તરપ્રદેશના 33 જિલ્લાઓ અને પંજાબના 10 જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.
દેશમાં એક તરફ વાવાઝોડા અને બીજી તરફ હીટવેવના ડબલ ખતરા વચ્ચે આગામી દિવસોમાં હવામાન વધુ પડકારજનક બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





