Porbandarમાં ઓછા વરસાદ વચ્ચે પાણીની ચિંતા દૂર કરવા સરકારનું મોટું આયોજન, ‘સૌની યોજના’થી ડેમ-તળાવો ભરાશે
Porbandar: ગુજરાતમાં ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાતા પાણીની ઉપલબ્ધતાને લઈને ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન શરૂ કર્યું છે. આ અંતર્ગત ‘સૌની યોજના’ના માધ્યમથી પોરબંદર જિલ્લાના ડેમો અને તળાવોમાં પાણી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે Porbandar જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈના વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને જળસંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

-> પોરબંદરમાં પાણીની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન : બેઠકમાં ચાલુ વર્ષના નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને Porbandar જિલ્લામાં પાણીની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા હયાત પાણીના સ્ત્રોતો તેમજ સૌની યોજનાનો મહત્તમ ઉપયોગ કરીને પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મંત્રીઓએ અધિકારીઓને સૂચના આપી છે કે Porbandar જિલ્લાના તમામ ડેમો, સિંચાઈ યોજનાઓ અને તળાવો સુધી પાણી પહોંચાડવા માટે ઉપલબ્ધ નેટવર્કનો અસરકારક ઉપયોગ કરવામાંઆવે. ખાસ કરીને સૌની યોજનાના નેટવર્કની 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ડેમ અને તળાવો ભરવા માટે ચોક્કસ આયોજન કરવામાં આવશે.આ પગલાથી આગામી સમયમાં વરસાદ ઓછો રહે તો પણ પાણીની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળશે.
-> ઘેડ વિસ્તારના કામો ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ : સમીક્ષા બેઠકમાં Porbandarના ઘેડ વિસ્તારની પાણી અને સિંચાઈ સંબંધિત કામગીરી પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ઘેડ વિસ્તાર માટે ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ ચાલી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીઓએ અધિકારીઓને ફેઝ-2માં સમાવિષ્ટ કામોનું માઇક્રો લેવલ પ્લાનિંગ કરવા અને બિનજરૂરી વિલંબ ટાળીને કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં સમયસર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા પણ જણાવાયું છે.પોરબંદરના બરડા વિસ્તારમાં આવેલી વિવિધ સિંચાઈ યોજનાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. દિપડાઝર સિંચાઈ યોજના, સરમણી સિંચાઈ યોજના, સોરઠી સિંચાઈ યોજના અને સુકાળા તળાવ સહિતના પ્રોજેક્ટોની કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.દિપડાઝર સિંચાઈ યોજના માટે જરૂરી જમીન તબદીલીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સરમણી સિંચાઈ યોજના માટે વન વિભાગ સાથે સંકલન કરીને કામગીરી ઝડપથી શરૂ કરવા જણાવાયું છે.

–> સોરઠી યોજનાના વધારાના પાણીનો ઉપયોગ થશે : અડવાણા ગામ નજીક આવેલી સોરઠી સિંચાઈ યોજના ઓવરફ્લો થવાના કારણે પાણી નદીમાં વહી જાય છે. આ વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પાઈપલાઈન મારફતે નજીકની અડવાણા સિંચાઈ યોજનામાં પાણી સંગ્રહ કરવાની શક્યતા ચકાસવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત કટોકટીના સમયમાં સૌની નેટવર્કથી ઈનટેક સ્ટ્રક્ચર સુધી જરૂરી એપ્રોચ ચેનલના કામો પણ ઈમરજન્સી ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.Porbandar શહેરના સુકાળા તળાવ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તળાવની ઊંડાઈ અને પહોળાઈ વધારી તેની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટેના કામો ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.સાથે જ એરપોર્ટ વિસ્તરણ હેઠળ આવતા વિસ્તારોમાં ડ્રેઈન અને કાંસના કામો પણ ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે.બેઠકમાં બંને મંત્રીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ સંબંધિત વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવી જરૂરી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે પોરબંદર જિલ્લાના ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં કોઈ નાગરિકને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો ન કરવો પડે.ચાલુ વર્ષે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આ આગોતરું આયોજન આગામી દિવસોમાં પોરબંદર જિલ્લાના પાણી વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સૌની યોજના દ્વારા ડેમ અને તળાવો ભરવાની કામગીરી, સિંચાઈ પ્રોજેક્ટોને ઝડપી બનાવવાની કાર્યવાહી અને તળાવોની સંગ્રહ ક્ષમતા વધારવાના પ્રયાસોથી પોરબંદરમાં પાણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276







