બાળકો માટે સોશિયલ મીડિયા પર ‘નો એન્ટ્રી’! કેનેડાનો મોટો નિર્ણય, નિયમ તોડનાર કંપનીઓને કરોડોનો દંડ

બાળકોમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ અને તેના કારણે ઉભા થતા માનસિક આરોગ્યના જોખમોને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે મોટું પગલું ભરવાની તૈયારી શરૂ કરી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ‘સેફ સોશિયલ મીડિયા એક્ટ’ (Safe Social Media Act) હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અમલમાં આવ્યો તો કેનેડા પણ એવા દેશોની યાદીમાં સામેલ થશે, જ્યાં બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

બાળકોની સુરક્ષા માટે નવો કાયદો
કેનેડા સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાની વધતી અસર બાળકોના માનસિક આરોગ્ય, વર્તન અને દૈનિક જીવન પર ગંભીર અસર કરી રહી છે. આથી બાળકોને ઓનલાઈન સતામણી, વ્યસન અને અન્ય જોખમોથી બચાવવા માટે નવા ડિજિટલ સુરક્ષા કાયદાની તૈયારી કરવામાં આવી છે. પ્રસ્તાવ મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેમનું પ્લેટફોર્મ બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કંપનીઓ જરૂરી સુરક્ષા ધોરણો પૂર્ણ નહીં કરી શકે તો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં.

AI ચેટબોટ્સ પણ આવશે નિયમોના દાયરામાં
નવા કાયદામાં માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકાર ડિજિટલ સુરક્ષા માટે નવા રેગ્યુલેટરી તંત્રની રચના કરશે, જે ઓનલાઈન જોખમો અને હાનિકારક સામગ્રી પર નજર રાખશે. ટેક કંપનીઓને પોતાના પ્લેટફોર્મ પર રહેલી નુકસાનકારક સામગ્રીની ઓળખ કરીને તેને ઝડપથી દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને ભારે દંડ
કેનેડાની સરકાર ટેક કંપનીઓ સામે કડક વલણ અપનાવવાના મૂડમાં છે. જો કોઈ કંપની નવા નિયમોનું પાલન નહીં કરે તો તેને વૈશ્વિક આવકના 3 ટકા અથવા 1 કરોડ કેનેડિયન ડોલર (આશરે 68 કરોડ રૂપિયા) સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. બંનેમાંથી જે રકમ વધુ હશે તે ચૂકવવી પડશે.

વિશ્વભરમાં બાળકોની સુરક્ષા માટે કડક નિયમો
બાળકોના ઓનલાઈન સુરક્ષા મુદ્દે વિશ્વના 60થી વધુ દેશો વિવિધ પ્રકારના નિયમો અને પ્રતિબંધો અમલમાં મૂકી ચૂક્યા છે. ઘણા દેશોએ સોશિયલ મીડિયા ઉપયોગ માટે લઘુત્તમ ઉંમર નક્કી કરી છે, જ્યારે કેટલાક દેશોએ માતા-પિતાની મંજૂરી ફરજીયાત બનાવી છે.

ઓસ્ટ્રેલિયા
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ તરીકે ઓસ્ટ્રેલિયાની ઓળખ થાય છે. કાયદો અમલમાં આવ્યા બાદ લાખો એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે.

ઈન્ડોનેશિયા
દક્ષિણ-પૂર્વ એશિયાનો પહેલો દેશ છે, જેણે બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગને લઈને ઓસ્ટ્રેલિયા જેવા કડક નિયમો અપનાવ્યા છે.

મલેશિયા અને કેનેડા
બંને દેશો ઉંમરની ચકાસણી અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે નવા નિયમો લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

યુરોપિયન સંઘ
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઓનલાઈન પ્લેટફોર્મ અને વીડિયો-શેરિંગ સાઇટ્સના ઉપયોગ માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

ફ્રાંસ અને સ્પેન
આ દેશો સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર વધુ નિયંત્રણ અને કડક ઉંમર ચકાસણી પ્રણાલી અમલમાં મૂકવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ગ્રીસ
ગ્રીસે 2027થી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.

ગેબોન
આફ્રિકી દેશ ગેબોને સોશિયલ મીડિયા ઉપયોગ માટે લઘુત્તમ ઉંમર 16 વર્ષ નક્કી કરી છે અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત બનાવી છે.

કેટલાક દેશોમાં સંપૂર્ણ પ્રતિબંધ
ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને તુર્કમેનિસ્તાન જેવા કેટલાક દેશોમાં રાજકીય અથવા સુરક્ષા કારણોસર અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ લાગુ છે. કેટલાક દેશો સુરક્ષા, અફવાઓ અથવા હિંસાની ઘટનાઓને રોકવા માટે સમયાંતરે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકે છે.

વધતી ચિંતા વચ્ચે વૈશ્વિક ચર્ચા
બાળકોમાં સોશિયલ મીડિયાની વધતી લત, સાયબર બુલિંગ, ગોપનીયતા અને માનસિક આરોગ્યના પ્રશ્નોને લઈને વિશ્વભરમાં ચર્ચા વધી રહી છે. આ પરિસ્થિતિમાં કેનેડાનો પ્રસ્તાવિત કાયદો વૈશ્વિક સ્તરે ઓનલાઈન સુરક્ષા સંબંધિત નીતિઓ માટે મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.

 

 

 

  • Related Posts

    રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બસની ટક્કર બાદ ચાલક ફરાર

    મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું કરુણ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર…

    14 જૂને પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને જમ્મુતવી વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતો નીચે મુજબ…