ઈરાનમાં વધી રહેલી અસ્થિરતા, હિંસક જનઆંદોલન અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. અમેરિકી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા તમામ અમેરિકી નાગરિકોએ કોઈપણ વિલંબ કર્યા વગર દેશ છોડવો જોઈએ. પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાથી કોઈપણ પ્રકારની મદદ મળી શકે તેની ખાતરી નથી, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.
પ્રચંડ જનઆક્રોશ અને હિંસક સ્થિતિ
ડિસેમ્બર 2025થી ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના 31 પ્રાંતોમાં આર્થિક કટોકટી, બેરોજગારી અને રાજકીય અસંતોષને કારણે લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે. સુરક્ષા દળોની કડક કાર્યવાહી દરમિયાન સેંકડો લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે. સ્થિતિ કાબૂમાં લેવા માટે સરકારે ઇન્ટરનેટ અને સંચાર સેવાઓ બંધ કરી દીધી છે, જેના કારણે ઈરાન લગભગ દુનિયાથી કપાઈ ગયો છે. જાહેર પરિવહન અને રસ્તાઓ ઠપ થતાં સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે.
અમેરિકી નાગરિકો માટે સહાય મર્યાદિત
અમેરિકી સરકારએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં યુએસ દૂતાવાસ હાજર નથી, જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને સીધી રાજદ્વારી મદદ મળવી મુશ્કેલ છે. યુએસ વર્ચ્યુઅલ એમ્બેસીના જણાવ્યા મુજબ, નાગરિકોએ સરકારની મદદ પર નિર્ભર રહેવા કરતાં પોતાની સુરક્ષા માટે સ્વયં પગલાં લેવા જોઈએ. જો પરિસ્થિતિ સુરક્ષિત લાગે તો જમીન માર્ગે તુર્કી અથવા આર્મેનિયા તરફ સરહદ પાર કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થતાં હવાઈ મુસાફરીના વિકલ્પો ખૂબ જ મર્યાદિત બન્યા છે.
યુદ્ધના ભણકારા અને આંતરરાષ્ટ્રીય તણાવ
પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શક્ય હોવાનું સંકેત આપ્યો છે અને 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઈરાન સરકાર આ સમગ્ર વિરોધને અમેરિકા અને ઇઝરાયેલનું ષડયંત્ર ગણાવી રહી છે. આ તણાવભરી સ્થિતિમાં બેવડી નાગરિકતા ધરાવતા લોકો પર ધરપકડ કે અટકાયતનું જોખમ સૌથી વધુ હોવાનું પણ અમેરિકાએ ચેતવ્યું છે.
મધ્ય પૂર્વમાં વધતો ખતરો
ઈરાનમાં સર્જાયેલી આ અસ્થિરતા માત્ર દેશ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તેની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ઊર્જા બજાર, વેપાર અને સુરક્ષા પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






