દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશભરના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. 25 જૂનના રોજ દેશના મોટાભાગના રાજ્યોમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વીજળી પડવાની ઘટનાઓ બનવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

મધ્ય ભારત અને પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદી માહોલ
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકાની શક્યતા છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદ અને આકાશી વીજળીનું એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારો, સિક્કિમ તેમજ અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

પૂર્વોત્તર ભારતમાં અતિભારે વરસાદ ચાલુ રહેશે
આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં પણ અતિભારે વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદી માહોલ
પશ્ચિમ ભારતના ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં આવતીકાલે સારા વરસાદની શક્યતા છે. કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને દરિયામાં ઊંચા મોજાં ઊછળવાની સંભાવના હોવાથી માછીમારોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશ, યનામ અને રાયલસીમામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, માહે અને તેલંગાણામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લક્ષદ્વીપ અને કેરળમાં વાવાઝોડા અને આકાશી વીજળીની સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાનમાં આવશે ઘટાડો
ચોમાસાની સક્રિયતાના કારણે મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ પૂર્વી મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગરમી અને લૂની અસર યથાવત રહેવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકનું હવામાન
છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, વિદર્ભ, પૂર્વી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં ચોમાસાની એન્ટ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2થી 3 દિવસમાં ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરશે. જેના કારણે લાંબા સમય સુધી વરસાદી માહોલ રહેશે અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.

 

 

 

  • Related Posts

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…

    ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

    ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…