ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાઈ રહી છે. આ વર્ષે માર્ચમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 7 ડિગ્રી વધુ નોંધાયું છે. દીવમાં તો લગભગ 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો હોવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે દરિયાઈ પવનો તાપમાનને નિયંત્રિત રાખે છે, પરંતુ હાલ દરિયાઈ પવનો ધીમા પડતા તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલની તીવ્ર ગરમી માટે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય હવામાન પ્રણાલી જવાબદાર નથી. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી એન્ટિસાયક્લોન સિસ્ટમને કારણે સૂકા પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં વધારો થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. બનાસકાંઠાના ડીસા ખાતે પણ ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ત્યારબાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, છતાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર થવા લાગ્યા છે. જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં ગરમી કેટલી વધશે તેની ચિંતા લોકોમાં વધી રહી છે. વધતી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે, જ્યારે ઠંડા પીણાંના સ્ટોલ પર લોકોની ભીડ વધવા લાગી છે.
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં પણ ગરમીમાં વધારો નોંધાયો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં 8 થી 13 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. મુંબઈમાં 10 માર્ચે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે દિલ્હીમાં પણ છેલ્લા ઘણા વર્ષોમાં માર્ચના પ્રથમ અઠવાડિયામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે લોકોને ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળતી વખતે સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






