ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા થયું છે, જે રાજ્યની ગતિશીલ અર્થવ્યવસ્થાનો સાક્ષી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના બળ પર વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.

૧૧.૪ ટકા સરેરાશ વિકાસ દર:

રાજ્યનો સરેરાશ વિકાસ દર છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧.૪ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા વધુ છે. પરિણામે ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ નોંધાઈ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૧૯ ટકા છે, જ્યારે નિકાસમાં ૨૬ ટકા સાથે રાજ્ય પ્રથમ સ્થાને છે. નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)’ની સ્થાપનાની જાહેરાત પણ કરવામાં આવી છે.

વીજ વ્યવસ્થામાં દેશનો સર્વશ્રેષ્ઠ રાજ્ય:

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૬માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી છે. GUVNLના ‘સિંગલ બાયર મોડલ’, HVDS સિસ્ટમ અને GPRS મીટરિંગ જેવી તકનીકી સુધારાઓના કારણે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે અને વિતરણમાં નુકસાન ન્યૂનતમ થયું છે.ડિસ્કોમ્સનો વ્યાજ ખર્ચ માત્ર ૦.૯૭ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૭.૪૪ ટકા સામે ખૂબ ઓછો છે.

મજબૂત નાણાકીય શિસ્ત:

ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ-૨૦૦૩” હેઠળના તમામ લક્ષ્યાંકો રાજ્યએ સફળતાપૂર્વક હાંસલ કર્યા છે. છેલ્લા ૨૨ વર્ષમાં રાજ્યએ એક પણ વાર ઓવરડ્રાફ્ટ લીધો નથી. વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩,૭૨૫ કરોડની મહેસૂલી પુરાંતનો અંદાજ છે. રાજ્યનું દેવું GSDPના પ્રમાણમાં ૧૪.૬૫ ટકા સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય છે, જે ૨૭.૧૦ ટકાની મર્યાદા સામે ઘણું ઓછું છે. ફિસ્કલ ડેફિસીટ પણ ૩ ટકાની મર્યાદા સામે ૨ ટકાથી ઓછી રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. વ્યાજ ખર્ચને પણ ૨૦ ટકાની મર્યાદા સામે ઘટાડીને વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૦.૮૬ ટકા સુધી જ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

કરદાતાઓ અને વેપારીઓને રાહત:

ભારત સરકાર દ્વારા કરાયેલા GST દરના સુધારાથી રાજ્યની જનતાને વાર્ષિક અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા બચત થશે.છેલ્લા ત્રણ મહિનામાં ૫૨,૦૦૦ નવા વેપારીઓ GST સાથે જોડાયા છે અને કુલ કરદાતાઓની સંખ્યા ૧૩.૬૯ લાખ સુધી પહોંચી છે. પરિણામે GST આવકમાં ૧૨ ટકા વધારો નોંધાયો છે. રિફંડની ૯૦ ટકા રકમ હવે માત્ર ૭ દિવસમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે આપવામાં આવશે. જામનગરમાં અઠવાડિયામાં બે દિવસ GST રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ અને પાટણમાં પણ આવી વ્યવસ્થા ઉભી થશે. ઇલેક્ટ્રિક વાહનો પરનો ૧ ટકા વેરો વધુ એક વર્ષ લંબાવવામાં આવતા નાગરિકોને રૂ. ૨૧૦ કરોડની રાહત મળશે.

ગિફ્ટ સિટી – વૈશ્વિક નાણાકીય કેન્દ્ર:

ગાંધીનગર સ્થિત GIFT Cityમાં International Financial Services Centres Authority (IFSCA) દ્વારા ૧,૧૦૦થી વધુ એકમોની નોંધણી થઈ છે. ૩૮ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બેંકો, ૬૭ વીમા કંપનીઓ અને ૬૦ ફિન-ટેક કંપનીઓ સાથે ગિફ્ટ સિટી ઓફશોર નાણાકીય પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા સાત વર્ષમાં બેંકિંગ અસ્કયામતોમાં સાત ગણો વધારો થયો છે અને માસિક એક્સચેન્જ ટર્નઓવર ૧૦૦ અબજ યુએસ ડોલરને વટાવી ગયું છે.

આદિવાસી વિકાસ માટે વિશેષ આયોજન:

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતિ નિમિત્તે ‘જનજાતિય કલ્યાણ યોજના’ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડના વિકાસ કાર્યો હાથ ધરવાનો લક્ષ્યાંક નક્કી થયો છે. ચાલુ બજેટમાં આ હેતુ માટે રૂ. ૩૫,૭૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંતમાં નાણા મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૬-૨૭નું આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ માટેનો એક સર્વગ્રાહી રોડમેપ છે, જે ગુજરાતને વિકસિત ભારતના વિઝન તરફ વધુ મજબૂત પગલાં ભરવા પ્રેરિત કરે છે.

  • Related Posts

    ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

    વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે.…

    ડાકોર : ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, CCTV અને ડ્રોનથી રહેશે ચાંપતી નજર

    ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાનો આરંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા માટે હજારો યાત્રિકોના ઉમટના અનુકૂળ, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા…