ગીરમાં CDV વાયરસનો ખતરો, 4 સિંહબાળના મોત બાદ 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબીસીઆર વાયરસના શંકાસ્પદ પ્રકોપ વચ્ચે ચાર સિંહબાળના મોત થતાં વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને સિંહોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

સિંહબાળના મોત બાદ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વન પર્યાવરણ અગ્ર સચિવ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોના કુલ 17 સિંહોને આઇસોલેટ કરીને સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીની બેઠક બાદ ગાંધીનગરથી PCCF, CCF અને સિનિયર એનિમલ ડોક્ટર્સ સહિતની હાઇપાવર ટીમ તાત્કાલિક ગીર પહોંચી હતી. ટીમે જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. જોકે મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી અધિકારીઓએ મીડિયા સાથે વધુ વિગતો શેર કરવાનું ટાળ્યું હતું.

રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “આ મામલે વડાપ્રધાને પણ વ્યક્તિગત નોંધ લીધી છે અને PMO તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ લઈને તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ દિવસોમાં ફેલાતો બેબીસીઆર વાયરસ ‘ઇતરડી’ નામની જીવાતથી ફેલાય છે. આથી સાવચેતીના ભાગરૂપે ગીર વિસ્તારના 350થી વધુ સિંહોના ડી-ટીકિંગ અને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.”

સિંહોને બચાવવા માટે સેન્ચુરી વિભાગ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત તબીબોની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. હાલ સંક્રમિત સિંહોમાં દેખાતા લક્ષણોના આધારે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

ગીરમાં સિંહોના આરોગ્યને લઈને ઉભી થયેલી આ સ્થિતિએ વન વિભાગ સહિત રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં તપાસ રિપોર્ટ બાદ વાયરસના ચોક્કસ કારણો અને સંક્રમણની સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.

 

 

  • Related Posts

    ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી : કૃષિ ક્ષેત્ર માટે IMD એ જાહેર કરી કડક એડવાઇઝરી

    IMD નો ચિંતાજનક રિપોર્ટ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાના બીજા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની દહેશત વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વમાં ચોમાસું સામાન્ય: રાહતના…

    સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹1,800 અને ચાંદી ₹4,500 થી વધુ તૂટી

    વૈશ્વિક બજારના નબળા સંકેતો અને સ્થાનિક કોમોડિટી માર્કેટમાં ભારે વેચવાલીના કારણે સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલી કિંમતી…