મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાનને રાજ્યવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ આપવા, શાળા પ્રવેશોત્સવની સમીક્ષા કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન
કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને મુખ્યમંત્રીએ આવકાર્યો હતો. તેમણે તમામ સરકારી વિભાગોને તબક્કાવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ દર મહિનાના પ્રથમ રવિવારે ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓ અને એનજીઓની ભાગીદારીથી રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કૃષિ વિભાગ સહિત વિવિધ સરકારી કચેરીઓમાં પણ નિયમિત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન રાજ્યની કુલ 37,211 શાળાઓ આવરી લેવામાં આવી હોવાનું જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વિવિધ શાળાઓમાં હાજરી આપી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. સરકારે શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયાનો દાવો કર્યો છે.
7 જુલાઈથી મગની ટેકાના ભાવે ખરીદી
બેઠકમાં ખેડૂતોને રાહતરૂપ નિર્ણય લેતા રાજ્ય સરકારે 7 જુલાઈથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માહિતી આપી હતી. આ નિર્ણયથી મગના ખેડૂતોને બજારભાવમાં થતી અનિશ્ચિતતા સામે રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને મળશે નવી માન્યતા
કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને B.Sc. એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન તરીકે વધુ વેગ મળશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





