B INDIA રાજકોટ : રાજકોટ શહેરનું બેડી માર્કેટિંગ યાર્ડ દિવસભર ધમધમતું રહે છે. પરંતું આ જ માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ સન્નાટો છવાઈ જાય છે. અહીંયા સન્નાટો છવાઈ જવાનું કારણ ચોંકાવનારું છે. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે. આ આજી નદીમાં 50 જેટલા ઊંચા દેખાતા મચ્છરોના ફુવારા છે. કદાચ તમે આગાઉ ક્યારેય મચ્છરોના ફુવારા જોયા નહીં હોય. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાય છે. મચ્છરોના આ ત્રાસથી બચવા માટે વેપારી તેમના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. આવું અમે નહીં પરંતુ ખુદ ત્યાંના વેપારી કહી રહ્યા છે.વેપારીઓનાં જણાવ્યા અનુસાર, “સાંજના સમયે અધિકારીઓ માત્ર 10 જ મિનિટ અહીંયા ઊભા રહીને બતાવે.
અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ આવે તો તેમને ખબર પડે કે ગાંડીવેલ દૂર કરવી કેટલી જરૂરી છે.”વેપારી જ નહિ અહીંયા કામ કરતા શ્રમિકો પણ કહે છે કે, “તેઓ કોઈ સંજોગોમાં અહીંયા રહી શકે એમ નથી. મચ્છરો ઉપદ્રવ એટલો બધો વ્યાપી ગયો છે કે, તેમના માટે અહીં રહેવું જ મુશ્કેલ છે.”આ માર્કેટિંગ યાર્ડ દિવસભર ભલે ખેડૂતોથી ભરેલું રહેતું હોય પરંતુ અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. વેપારીઓનું કહેવું છે કે, “ખેડૂતો પોતાનો પાક ઉતારીને જતા રહે છે. અહીંયા રહી શકે એવી સ્થિતિ જ નથી હોતી.” તો બીજી તરફ અહીંયા સાંજના સમયે જે પણ દુકાનો ખુલી હતી.
તેઓએ પોતાની દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરવો પડતો હતો. મહત્વનું છે કે, યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ થવા પાછળનું યાર્ડની બાજુમાં જ આવેલી આજી નદી પર પથરાયેલી ગાંડીવેલ છે. આ વેલને હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મશીન પણ વસાવવામાં આવ્યું છે. પરંતુ તે ધૂળ ખાઈ રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડમાં વગર વાંકે વેપારીઓ ધુમાડો ખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, મચ્છરોના ત્રાસના કારણે 2020ના શરૂઆતના મહિનામાં આંદોલન પણ થયા હતા. તે સમયે બેડી માર્કેટિંગ યાર્ડ અનેક દિવસો સુધી બંધ પણ રહ્યું હતું.