અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ હાજર છે. સત્તામાં આવ્યા પછી તરત જ તેઓ ઓછામાં ઓછી 100 એવી ફાઇલો પર હસ્તાક્ષર કરશે જે ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી શકે છે. શપથ ગ્રહણ પછી તરત જ તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે. તેમના ઓવલ ઓફિસ ડેસ્ક પર 100 થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર તેમની રાહ જોતા હશે, જે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેથી તેઓ સમય બગાડ્યા વિના તેમનો બીજો કાર્યકાળ શરૂ કરી શકે.
અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી એટલે કે આવતી કાલે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. તેમણે ભારતની સંભવિત યાત્રા માટે તેમના સલાહકારો સાથે ચર્ચા કરી છે. ટ્ર્મ્પ ભારતની યાત્રા કરીને ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની વિશ્વને પ્રતીતિ કરાવવા માગે છે. ભારત અને અમેરિકાના સંબંધ મજબૂત છે અને વિશ્વની બદલાતી અર્થવ્યવસ્થામાં ભારત અને અમેરિકા બંને મહત્વના બનીને ઊભરવાના છે એ પણ દર્શાવવા માગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા એપ્રિલ મહિનાની શરૂઆતમાં કે ડિસેમ્બરના અંતમાં યોજાઇ શકે છે. એમ પણ માનવામાં આવે છે કે આ વર્ષના માર્ચથી જૂનની વચ્ચે યોજાનારી વ્હાઇટ હાઉસની બેઠકમાં પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ચીન પર આકરા પ્રતિબંધો લાદવાની વાત કરી હતી પણ હવે સત્તા સંભાળ્યા બાદ તેઓ ચીન સાથે બગડેલા સંબંધો પણ સુધારવા માગે છે, તેથી જ તેઓ પદભાર સંભાળ્યા બાદ ચીનની મુલાકાતે જવાની યોજના પર પણ વિચાર કરી રહ્યા છે.