દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ચૂકી છે. નામાંકન સમાપ્ત થાય ત્યાં સુધીમાં, 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા કુલ 1,521 નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 જાન્યુઆરીએ જ 680 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા.ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આજે થશે. જ્યારે ઉમેદવારો દ્વારા નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20
જાન્યુઆરી છે.
-> નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો :- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 હેઠળ, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં કુલ 29 ઉમેદવારોએ 40 ઉમેદવારી પત્રો ભર્યા છે. આપને જણાવી દઈએ કે નવી દિલ્હી બેઠક પરથી આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે ભાજપના પરવેશ સાહિબ સિંહ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત ઉમેદવાર છે.
-> કસ્તુરબા નગર વિધાનસભા બેઠક પરથી સૌથી ઓછા ઉમેદવારી પત્રો :- કસ્તુરબા નગર વિધાનસભા બેઠક પરથી સૌથી ઓછા ઉમેદવારી પત્રો દાખલ થયા છે. કસ્તુરબા નગર વિધાનસભા ક્ષેત્રમાં કુલ 6 ઉમેદવારોએ 9 ઉમેદવારી પત્રો ભર્યા છે.દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધી બેઠકો પર એકલા લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની બે બેઠકો NDAના સાથી પક્ષ JDU અને LJP રામવિલાસને આપી છે. NDA ક્વોટા હેઠળ, દિલ્હીની બુરારી બેઠક JDU ને અને દેવલી બેઠક LJP રામવિલાસ ને આપવામાં આવી છે.મહત્વનું છે કે દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે. જ્યારે ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીએ આવશે.