ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યું, બે ગુજરાતી ખલાસીઓના મોત, 12નો આબાદ બચાવ

ઓમાનના દરિયામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ દુર્ઘટનાગ્રસ્ત થતાં બે ગુજરાતી ખલાસીઓના મોત થયા છે. જહાજમાં સવાર કુલ 14 ક્રૂ સભ્યોમાંથી 12 ખલાસીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાના પગલે સલાયા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દુબઈથી જીબુટી જતી વખતે સર્જાઈ દુર્ઘટના
માહિતી અનુસાર, ‘મહેબૂબ એ બુખારી’ નામનું માલવાહક જહાજ (રજિસ્ટ્રેશન નંબર BDI 1415) 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો લઈને આફ્રિકાના જીબુટી બંદર તરફ રવાના થયું હતું. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચતા જ હવામાન અચાનક ખરાબ બન્યું અને દરિયામાં ભારે તોફાન શરૂ થયું હતું.

બંને એન્જિન બંધ થતાં જહાજ ડૂબ્યું
દરિયામાં ઊંચા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. ક્રૂ દ્વારા જહાજને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સતત પાણી ભરાવા લાગતાં જહાજ ડૂબવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતાં ટંડેલે તમામ 14 ખલાસીઓને જીવ બચાવવા માટે તરત જ દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.

બે ગુજરાતી ખલાસીઓના મોત
ભારે મોજાં અને દરિયાના તીવ્ર પ્રવાહ વચ્ચે બે ખલાસીઓ સમયસર બહાર આવી શક્યા નહોતા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. મૃતકોની ઓળખ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા તરીકે થઈ છે.

ઓમાન નેવી અને ભારતીય જહાજોએ બચાવ્યા 12 ખલાસી
ઘટનાની જાણ થતાં જ ઓમાન નેવીએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. નજીકમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. સંયુક્ત પ્રયાસોથી 12 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

મૃતદેહોને વતન લાવવાની કાર્યવાહી શરૂ
હાલ બંને મૃતક ખલાસીઓના મૃતદેહો અને બચાવાયેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક આવેલી ફિશિંગ જેટી પર રાખવામાં આવ્યા છે. ‘ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન’ના સેક્રેટરી આદમ ભાયાએ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય (MEA)ને સમગ્ર ઘટનાની જાણ કરી છે. મૃતદેહોને વહેલી તકે ભારત લાવવા, બચેલા ખલાસીઓની સુરક્ષિત વતન વાપસી કરાવવા તેમજ જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સહાયની માંગ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક ખલાસીઓના પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે બચાવાયેલા ખલાસીઓની સુરક્ષિત વતન વાપસી માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

 

 

 

 

  • Related Posts

    અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, બે ઈજાગ્રસ્ત; ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

    અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બહાર ગુરુવારે એક વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ રસ્તા પર પડતાં ત્યાં પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન…

    ગુજરાતમાં ભારે વરસાદથી રાહત, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. જોકે, વિવિધ વિસ્તારોમાં…