ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી તેમજ દાદરા અને નગર હવેલી અને દમણમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત પાટણ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હતો.
હાલ કઈ હવામાન સિસ્ટમ સક્રિય છે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ એક ‘વેલ-માર્ક્ડ લો પ્રેશર’ સિસ્ટમ સક્રિય છે, જે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ધીમે-ધીમે નબળી પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી મધ્ય કેરળ સુધી દરિયાકાંઠે ઓફ-શોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસમાં સમગ્ર દેશમાં ચોમાસું વ્યાપી જવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે.
7 જુલાઈથી 8 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી
આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અરવલ્લી, ખેડા, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યભરમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે.
8 જુલાઈથી 9 જુલાઈ સુધી
ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.
9થી 10 જુલાઈ
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બાકીના ગુજરાતમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ યથાવત રહેશે.
10થી 11 જુલાઈ
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
નાગરિકો માટે સૂચના
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. નદી-નાળા નજીક જવાનું ટાળવું, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લી જગ્યાએ ન રહેવું તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવી હિતાવહ રહેશે. સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





