ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે સરકારને હાઇકોર્ટની આકરી ટકોર, કહ્યું- ‘5 મહિનાથી આદેશ છતાં પાલન કેમ નથી?’

કચ્છના નડાબેટ, નળ સરોવર અને થોળ સહિતના ઇકો-સેન્સિટિવ ઝોનમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે વિદેશી પક્ષીઓના આગમન પર પડી રહેલી અસર અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન ગુરુવારે (3 જુલાઈ) કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને આકરા શબ્દોમાં પૂછ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી કોર્ટના આદેશો આપવામાં આવી રહ્યા હોવા છતાં તેનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. કોર્ટે નોંધ્યું કે સરકાર વારંવાર જવાબ દાખલ કરવા માટે સમય માંગે છે, પરંતુ અસરકારક કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી રજૂ કરતી નથી.

‘કોર્ટને બહાનાંમાં નહીં, અમલમાં રસ છે’
હાઇકોર્ટે જણાવ્યું કે વિવિધ સરકારી વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જે સ્વીકાર્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટને સરકારની આંતરિક પ્રક્રિયાઓ કે મુશ્કેલીઓમાં રસ નથી, પરંતુ કોર્ટના આદેશોનું પાલન થયું છે કે નહીં તે મહત્વનું છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે લાંબા સમય બાદ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે કોઈ સ્પષ્ટ વિગતો રજૂ કરવામાં આવી નથી.

કુદરતી સંપત્તિનું સંરક્ષણ સરકારની જવાબદારી
હાઇકોર્ટે કહ્યું કે અભ્યારણ્યો અને ઇકો-સેન્સિટિવ વિસ્તારોનું સંરક્ષણ કરવું સરકારની પ્રાથમિક ફરજ છે. કુદરતી સંપત્તિની સુરક્ષા માટે સરકારને વારંવાર કોર્ટ દ્વારા યાદ અપાવવાની જરૂર ન હોવી જોઈએ. કોર્ટે સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી દ્વારા હજુ સુધી સોગંદનામું રજૂ ન કરવાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો હતો.

સંબંધિત વિભાગોને સોગંદનામું દાખલ કરવાનો આદેશ
હાઇકોર્ટે ફોરેસ્ટ કન્ઝર્વેટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનો મુજબ વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે.

સરકારનો પક્ષ
રાજ્ય સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે સમગ્ર મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ઉપરાંત નળ સરોવરમાં નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું રજૂ કરવામાં આવ્યું.

અગાઉ હાઇકોર્ટે આપેલા મહત્વના નિર્દેશ
ગત સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નળ સરોવર અને અન્ય ઇકો-સેન્સિટિવ વિસ્તારો માટે કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા હતા, જેમાં:
– નળ સરોવરના ઇકો-સેન્સિટિવ ઝોનમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ.
– બોટ ચાલકો માટે લાયસન્સ અને યુનિફોર્મ ફરજિયાત બનાવવાની સૂચના.
– પ્રવાસીઓ માટે મુખ્ય વેટલેન્ડ વિસ્તારથી અલગ ખાણી-પીણી ઝોન વિકસાવવાનો નિર્દેશ.
– મુખ્ય વેટલેન્ડ વિસ્તારમાં ખોરાક લઈ જવા પર પ્રતિબંધ.
– ગેરકાયદે માછીમારી રોકવા માટે કડક અમલ અને ચેકપોઇન્ટ્સ ગોઠવવાની સૂચના.

 

 

 

 

  • Related Posts

    અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલાનો વધુ એક બનાવ, પંજાબી યુવક ગુરદીપ સિંહનું ગોળીબારમાં મોત

    અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી હિંસક ઘટનાઓ વચ્ચે ન્યૂયોર્કમાં વધુ એક ભારતીય યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં 27 વર્ષીય ગુરદીપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું છે. શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને લૂંટ સાથે જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ કેસની તપાસ ચાલી રહી છે અને રોડ-રેજની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ઈસ્ટ ન્યૂયોર્કના ક્રેસન્ટ સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપ સિંહને ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. તેમને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું…

    મોટા કંદોઈ, બેકરી અને કન્ફેક્શનરી માટે નવો નિયમ, 15 દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકાશે નહીં

    તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં ખાંડના ભાવમાં અચાનક વધારો અને સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ખાંડના મોટા જથ્થાબંધ વપરાશકારો માટે સ્ટોક મર્યાદા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ મોટા કંદોઈ, મીઠાઈ ઉત્પાદકો, બેકરી, બિસ્કિટ, કન્ફેક્શનરી, સોફ્ટ ડ્રિંક અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા એવા વ્યવસાયો, જેઓ દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરે છે, તેઓ હવે પોતાની 15 દિવસની જરૂરિયાત કરતાં વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. સરકારનો આ નિર્ણય ખાસ કરીને તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે. આ સમયગાળામાં મીઠાઈ, બિસ્કિટ, બેકરી ઉત્પાદનો, ઠંડા પીણાં અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. પરિણામે ખાંડની માંગ પણ…