વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ ફટકારી છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ ફીચર અને તેના કારણે ઊભા થઈ શકતા સાયબર જોખમોને લઈને સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. સરકારે નોટિસમાં ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ અને અન્ય સાયબર ગુનાઓને રોકવા માટે પ્લેટફોર્મ્સ દ્વારા અપનાવવામાં આવેલા સુરક્ષા ઉપાયો અંગે વિગતવાર માહિતી માગી છે.
ટેલિગ્રામના યુઝરનેમ ફીચર પર સરકારના સવાલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિગ્રામને મોકલાયેલી નોટિસમાં માહિતી ટેકનોલોજી મંત્રાલયે સવાલ કર્યો છે કે પ્લેટફોર્મ પર યુઝરનેમ ફીચર ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે. સરકારનું માનવું છે કે આવા ફીચર્સનો દુરુપયોગ કરીને સાયબર ઠગાઈ અને ફિશિંગના બનાવોમાં વધારો થઈ શકે છે. ટેલિગ્રામ અને સિગ્નલ બંનેને આ મુદ્દે પોતાનો સત્તાવાર જવાબ આપવા જણાવાયું છે.
વોટ્સએપને પણ અપાઈ હતી ચેતવણી
આ પહેલાં કેન્દ્ર સરકારે મેટાને વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ પાઠવી હતી. સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ સુવિધા ભારતમાં શરૂ કરવામાં આવશે તો ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ એટેક અને ડિજિટલ ફ્રોડ જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. સરકારે વોટ્સએપને સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકારને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આ ફીચર ભારતમાં અમલમાં મૂકવામાં ન આવે.
સુરક્ષા વ્યવસ્થા અંગે માંગ્યો વિગતવાર અહેવાલ
માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ અને સિગ્નલને અલગ-અલગ પત્ર મોકલીને પૂછ્યું છે કે તેઓ યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે કઈ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકી રહ્યા છે. સાથે જ આવા ફીચર્સના દુરુપયોગને રોકવા માટેની તેમની નીતિ અને કાર્યવાહી અંગે પણ માહિતી માંગવામાં આવી છે.
વોટ્સએપે કર્યો પોતાના ફીચરનો બચાવ
વોટ્સએપે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે પ્રસ્તાવિત યુઝરનેમ ફીચરને યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, દુરુપયોગ અટકાવવા માટે અનેક સુરક્ષા ઉપાયો પહેલાથી જ સામેલ કરવામાં આવ્યા છે. ભારત વોટ્સએપ માટે સૌથી મોટું બજાર છે, જ્યાં કંપનીના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે.
NEET પેપર લીક બાદ ટેલિગ્રામ પર વધી હતી સરકારની નજર
તાજેતરમાં NEET પરીક્ષાના પેપર લીક, નકલી પરીક્ષા સામગ્રી અને ભ્રામક માહિતીના પ્રસારને લઈને ટેલિગ્રામ સરકારની કડક નજર હેઠળ આવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ સરકારે ટેલિગ્રામ અને તેની વેબ સેવાઓ સામે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા બાદ પ્લેટફોર્મ ફરી ભારતમાં કાર્યરત કરવામાં આવ્યું હતું. હાલ સરકારે ટેલિગ્રામ અને સિગ્નલ પાસેથી માંગેલી માહિતીના જવાબની રાહ જોવામાં આવી રહી છે. આ જવાબોના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





