અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં વાગી ગોળી

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીની પૂછપરછ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન અચાનક કર્યો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઈશનપુર વિસ્તારના રહેવાસી અને હિસ્ટ્રીશીટર મોહમ્મદ કલીમ ઉર્ફે કલીમ ભૈયાની અટકાયત કરી હતી. આરોપીને વધુ પૂછપરછ માટે ચંડોળા તળાવ વિસ્તારમાં લઈ જવાયો હતો. પૂછપરછ દરમિયાન JCP શરદ સિંઘલ અને પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા હાજર હતા. આ દરમિયાન આરોપીએ પોતાની પાસે સંતાડેલી છરી કાઢીને અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં શરદ સિંઘલના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસે કર્યું જવાબી ફાયરિંગ
હુમલા બાદ આત્મરક્ષામાં JCP શરદ સિંઘલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતા તે ઘાયલ થયો હતો. ત્યારબાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આરોપી સામે 37થી વધુ ગુના નોંધાયેલા
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા સામે હત્યા, લૂંટ, ખંડણી અને અન્ય ગંભીર ગુનાઓ સહિત 37થી વધુ કેસ નોંધાયેલા છે. કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી ચાર ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સારવાર બાદ રિમાન્ડની કાર્યવાહી
હાલ JCP શરદ સિંઘલ અને આરોપી બંને સારવાર હેઠળ છે. આરોપીની તબિયત સ્થિર થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ઘટનાની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

 

 

  • Related Posts

    વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ કેન્દ્ર સરકારની નોટિસ, યુઝરનેમ ફીચર અંગે માંગ્યો ખુલાસો

    વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ ફટકારી છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ ફીચર અને તેના…

    રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી, ટ્રસ્ટની નોટિસ અને FIRની માંગથી વિવાદ ગરમાયો

    અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન ચોરીના આરોપોને લઈને વિવાદ વધુ ગંભીર બન્યો છે. સમગ્ર મામલે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 6 જુલાઈએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં…