અમેરિકા અને ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને માત્ર જવાબી હુમલાઓ જ નહીં કર્યા, પરંતુ પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે પણ સતત કામગીરી ચાલુ રાખી હતી. ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ દાવો કર્યો છે કે યુદ્ધ દરમિયાન જ નવી પેઢીના ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ વિકસાવીને સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ઈરાને આ સંઘર્ષને માત્ર રક્ષણાત્મક યુદ્ધ તરીકે નહીં, પરંતુ સૈન્ય ટેક્નોલોજીને વધુ આધુનિક બનાવવાની તક તરીકે પણ ઉપયોગ કર્યો.
યુદ્ધ દરમિયાન પણ ચાલુ રહ્યું રિસર્ચ
બ્રિગેડિયર જનરલ અકરામિનિયાએ જણાવ્યું કે યુદ્ધ દરમિયાન ઈરાને સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઈલ સિસ્ટમમાં સુધારા કર્યા હતા. તેમણે કહ્યું કે જૂના હથિયારોનો ઉપયોગ ચાલુ રાખવાની સાથે સંશોધન અને વિકાસ (R&D) પર પણ સતત કામ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વધુ સચોટ અને આધુનિક હથિયારો તૈયાર કરવામાં સફળતા મળી.
નવી પેઢીના ડ્રોનનો ઉપયોગ
ઈરાની સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સંઘર્ષના અંતિમ દિવસોમાં એવા નવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પર લાંબા સમયથી સંશોધન ચાલી રહ્યું હતું. તેમણે દાવો કર્યો કે આ ડ્રોન અગાઉના અરાશ-2 મોડલ કરતાં વધુ આધુનિક છે અને ટૂંક સમયમાં તેમની ક્ષમતાઓ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
સ્થાનિક ઉત્પાદન પર ભાર
ઈરાને સ્થાનિક સ્તરે સૈન્ય ઉપકરણોનું ઉત્પાદન વધારવાની સાથે મિત્ર દેશો પાસેથી અદ્યતન ટેક્નોલોજી અને સાધનો મેળવવાના પ્રયાસો પણ તેજ કર્યા હોવાનું ઈરાની સેનાએ જણાવ્યું છે.
40 દિવસમાં 100 તબક્કાના જવાબી હુમલાનો દાવો
ઈરાની સેનાના જણાવ્યા મુજબ, 40 દિવસ દરમિયાન 100 તબક્કામાં જવાબી હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં અખાતી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો તેમજ ઇઝરાયેલના કેટલાક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું દાવો કરવામાં આવ્યો છે.
યુદ્ધવિરામ માટે કરારની જાહેરાત
અહેવાલો અનુસાર, 15 જૂનના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતામાં સૈન્ય કાર્યવાહી રોકવા માટે એક કરારની જાહેરાત કરવામાં આવી હતી. આ કરારમાં લેબનોન સહિતના વિવિધ મોરચાઓ પર સંઘર્ષ ઘટાડવા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરજવર પુનઃ શરૂ કરવા અને કેટલાક પ્રતિબંધોમાં રાહત જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






