રશિયન સંસદે નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદો અમલમાં આવતા રશિયાની અદાલતો તે સંગઠનો પરનો પ્રતિબંધ હટાવી શકશે જેને આતંકવાદી સૂચિમાં મુકવામાં આવ્યા છે. આને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય રશિયા સીરિયાના નવા નેતૃત્વ સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા માંગે છે.તમને જણાવી દઈએ કે કોઈ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી નથી.
જુલાઈમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાનને આતંકવાદ સામેની લડાઈમાં નવો ભાગીદાર ગણાવ્યો હતો. રશિયાનો નિર્ણય પશ્ચિમી દેશોથી અલગ છે જે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા ન આપવા પર અડગ છે. પશ્ચિમી રાજદ્વારીઓનું કહેવું છે કે મહિલાઓના અધિકારો પર તાલિબાનનું વલણ અસ્વીકાર્ય છે. તાલિબાને છોકરીઓ અને મહિલાઓ માટે ઉચ્ચ શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે.રશિયાના ચેચન્યાના મુસ્લિમ ક્ષેત્રના નેતા રમઝાન કાદિરોવે સોમવારે સીરિયન જૂથ હયાત તહરિર અલ-શામને મોસ્કોની પ્રતિબંધિત આતંકવાદી જૂથોની સૂચિમાંથી દૂર કરવાની હાકલ કરી છે.
HTSએ આ મહિને સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઉથલાવી દીધા. પુતિનના નજીકના સાથી કાદિરોવે જણાવ્યું હતું કે સ્થિરતા સુનિશ્ચિત કરવા અને માનવતાવાદી આપત્તિને રોકવા માટે રશિયાને નવા સીરિયન અધિકારીઓ સાથે સંબંધોની જરૂર છે. ક્રેમલિને આ અઠવાડિયે કહ્યું હતું કે રશિયા સીરિયામાં નવા નેતૃત્વ સાથે સંપર્કમાં છે. જ્યાં તે એરફિલ્ડ અને નેવલ બેઝનો ઉપયોગ જાળવી રાખવાની આશા રાખે છે. આ તેને ભૂમધ્ય સમુદ્રમાં નોંધપાત્ર લશ્કરી પગપેસારો સ્થાપિત કરવામાં મદદ કરશે.