ગુજરાતમાં હવે એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય: નાગરિકોને મળશે મોટી રાહત, ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે વધુ એક મહત્વપૂર્ણ વહીવટી સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ પ્રકારના સોગંદનામા કરાવવાની જરૂરિયાતમાંથી મુક્તિ મળશે.

રાજ્યના કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ફોર્મેટ અનુસાર, જે સેવાઓમાં કાયદા અથવા નિયમ મુજબ એફિડેવિટ રજૂ કરવું જરૂરી છે પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું નથી, ત્યાં હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે.

વિવિધ એફિડેવિટની ઝંઝટમાંથી મળશે છૂટકારો
અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગો દ્વારા આપવામાં આવતી સેવાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ અને સરકારી યોજનાઓના લાભ માટે અરજદારોને અલગ-અલગ પ્રકારના સોગંદનામાં રજૂ કરવા પડતા હતા. જેના કારણે સામાન્ય નાગરિકોને દસ્તાવેજી પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિવિધ ફોર્મેટને કારણે અરજીઓમાં વિલંબ થતો હતો તેમજ નાગરિકોનો સમય અને ખર્ચ બંને વધતા હતા. સરકારના આ નવા નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને એકરૂપ બનશે.

સમગ્ર રાજ્યમાં ફરજિયાત સ્વીકારાશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યુનિવર્સલ એફિડેવિટ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી કક્ષાની સરકારી કચેરીઓ, સત્તાધિકારીઓ તેમજ સેવા કેન્દ્રો દ્વારા ફરજિયાત સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે આ ફોર્મેટનો અમલ Digital Gujarat Portal તેમજ તમામ જન સેવા કેન્દ્રો પર પણ કરવામાં આવશે. જેના કારણે ઓનલાઇન અરજી પ્રક્રિયા વધુ સરળ બનશે.

જ્યાં એફિડેવિટ જરૂરી નથી ત્યાં સ્વઘોષણા યથાવત્
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ જરૂરી નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ ‘સ્વઘોષણા’ (Self Declaration)ની પ્રક્રિયા યથાવત્ ચાલુ રહેશે. આવી સેવાઓમાં સોગંદનામું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કાયદા વિભાગે આ નવા યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કર્યું છે. જેથી રાજ્યના તમામ નાગરિકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. સરકારના આ નિર્ણયને વહીવટી સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને નાગરિકમૈત્રી બનશે.

 

 

 

  • Related Posts

    30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક: જ્ઞાનેશ કુમાર સામે હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા, SIR મુદ્દો પણ રહેશે કેન્દ્રમાં…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચ અને મતદાર યાદીના Special Intensive Revision (SIR) મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે વિપક્ષી INDIA બ્લોકના નેતાઓ 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં રજૂ થનારા હટાવવાના પ્રસ્તાવ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. બેઠકમાં SIRની પ્રક્રિયા, ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને વિપક્ષની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર બેઠક નવી દિલ્હીની Constitution Club of India ખાતે યોજાવાની છે. આ બેઠક પહેલાં 29 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાવાની છે, જેમાં પાર્ટી જ્ઞાનેશ કુમાર અને SIR મુદ્દે પોતાની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ કુમાર સામે શું છે વિપક્ષની તૈયારી? INDIA બ્લોક સાથે…

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…