રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા, 5 ગુજરાતીઓને મળ્યો પદ્મશ્રી

દ્રૌપદી મુર્મૂ એ સોમવારે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર 131 પ્રતિભાશાળી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. કલા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન, સામાજિક સેવા અને રમતગમત સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય બદલ આ સન્માન આપવામાં આવ્યું. આ વર્ષે કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.

દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણ
આ પ્રસંગે દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર ને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો એવોર્ડ અભિનેત્રી હેમા માલિની એ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદન સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

અલકા યાજ્ઞિકથી ઉદય કોટક સુધી અનેક હસ્તીઓને પદ્મ ભૂષણ
પદ્મ ભૂષણ મેળવનાર હસ્તીઓમાં જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિક, મલયાલમ સુપરસ્ટાર મમૂટી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશિયારી, ઉદ્યોગપતિ ઉદય કોટક અને જાણીતા જાહેરખબર નિર્માતા પિયુષ પાંડે સહિત 13 હસ્તીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના 5 વ્યક્તિઓને મળ્યો પદ્મશ્રી
આ વર્ષે ગુજરાતના પાંચ પ્રતિભાશાળી વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે જાણીતા ધાર્મિકલાલ પંડ્યા ને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રે વિશેષ કામગીરી બદલ નિલેશ માંડલેવાલા ને પદ્મશ્રી એનાયત થયો હતો. કલા ક્ષેત્રે ‘હાજી રમકડું’ તરીકે જાણીતા હાજી મીર કાસમવાલા ને પણ સન્માન મળ્યું હતું. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્ય ને પણ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

રોહિત શર્મા અને આર. માધવન સહિત અનેક હસ્તીઓને પદ્મશ્રી
113 પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર હસ્તીઓમાં અભિનેતા આર. માધવન, ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમાર સહિત અનેક પ્રતિભાશાળી લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારોની જાહેરાત જાન્યુઆરી 2026માં કરવામાં આવી હતી. દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે આ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે.

 

 

 

  • Related Posts

    ભારે વરસાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે કરી સમીક્ષા, દક્ષિણ ગુજરાતમાં રાહત-બચાવ કામગીરી વેગવંતી 2026 Emergency

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કરી ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા, દક્ષિણ ગુજરાતમાં રાહત-બચાવ કામગીરીને વધુ વેગ ગાંધીનગર: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં…

    અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો રહેશે બંધ Alert IMD Warning

    અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: 24 જુલાઈએ તમામ શાળા અને કોલેજો રહેશે બંધ, AMCનો મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ ભારે વરસાદ, 24 જુલાઈ શાળા-કોલેજ બંધ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ હવામાન અપડેટ, અને ગુજરાત…