હૈદરાબાદમાં વિકાસ પર ચર્ચા વચ્ચે PM મોદી અને રેવંત રેડ્ડી વચ્ચે રસપ્રદ સંવાદ

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિકાસ અને અર્થતંત્રને લઈને રસપ્રદ સંવાદ જોવા મળ્યો હતો. ગંભીર વિકાસ ચર્ચા વચ્ચે વડાપ્રધાને પોતાના આગવા અંદાજમાં આપેલા જવાબે સભામાં હાજર લોકોને હસાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેલંગાણાને આગામી વર્ષોમાં દેશના વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકારના સહયોગની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેલંગાણા દેશની કુલ જીડીપીમાં 10 ટકા ફાળો આપનાર રાજ્ય બનવા માંગે છે અને તે માટે કેન્દ્રની મંજૂરીઓ તથા સહકાર જરૂરી છે.

રેવંત રેડ્ડીએ પોતાના સંબોધનમાં ‘ગુજરાત મોડલ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતે વિકાસનું એક અલગ મોડલ ઊભું કર્યું હતું. હવે તેલંગાણા પણ આગામી દાયકામાં ‘તેલંગાણા મોડલ’ તૈયાર કરવા માંગે છે અને 2034 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો લક્ષ્ય ધરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશની માત્ર 3 ટકા વસ્તી ધરાવતું તેલંગાણા, ભારતને 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે 10 ટકા યોગદાન આપવા સક્ષમ છે.

મુખ્યમંત્રીના આ નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, “ગુજરાતને મારા મુખ્યમંત્રીપદના 10 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જે મળતું હતું, એ બધું તમને આપવા હું તૈયાર છું. પરંતુ જો એવું કરું તો હાલમાં તમને જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે.”

વડાપ્રધાને આગળ ઉમેર્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી શકશો નહીં, એટલે વધુ સારું એ છે કે તમે મારી સાથે જ રહો.”

વડાપ્રધાનના આ જવાબ બાદ સભામાં તાળીઓ અને હાસ્યનો માહોલ સર્જાયો હતો. રાજકીય વિશ્લેષકોના મતે વડાપ્રધાનનો ઈશારો એ તરફ હતો કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા તેલંગાણાને મોટા પ્રમાણમાં પ્રોજેક્ટ્સ અને આર્થિક સહાય મળી રહી છે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર તરફથી એટલો સહયોગ મળતો નહોતો.

આ કાર્યક્રમ દરમિયાન વિકાસ, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના આર્થિક વિઝન અંગે બંને નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

 

  • Related Posts

    થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો નવો કોરોનાવાયરસ, વૈજ્ઞાનિકો સતર્ક

    કોરોનાની મહામારી બાદ દુનિયા હજુ સંપૂર્ણપણે સંભળી નથી ત્યાં હવે થાઈલેન્ડમાંથી એક નવા કોરોનાવાયરસને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. તાજેતરમાં વૈજ્ઞાનિક જર્નલ Cellમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, થાઈલેન્ડમાં ચામાચીડિયામાં…

    હંતાવાયરસનો ખતરો: સંક્રમિત લક્ઝરી ક્રૂઝ શિપ સ્પેન પહોંચ્યું, 3ના મોત બાદ WHO એલર્ટ

    હંતાવાયરસના સંક્રમણને કારણે ચર્ચામાં આવેલું લક્ઝરી ક્રૂઝ શિપ ‘MV હોન્ડિયસ’ રવિવારે સવારે સ્પેનના ટેનેરિફ દ્વીપ પર પહોંચી ગયું છે. જહાજમાં ફેલાયેલા સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ત્રણ પ્રવાસીઓના મોત થયા હોવાનું…