મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લાંબા તણાવ વચ્ચે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ પર સહમતી થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેને પ્રદેશમાં શાંતિ તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે લેબેનોનના પ્રમુખ જોસેફ આઉન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે થયેલી ચર્ચા બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર થયા છે. અમેરિકી સમય અનુસાર સાંજે 5 વાગ્યાથી આ સીઝફાયર અમલમાં આવશે.
આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલાઓમાં લેબેનોનમાં ભારે જાનહાનિ થઈ છે. અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 2,196થી વધુ લોકોના મોત નોંધાયા છે, જે તણાવની ગંભીરતા દર્શાવે છે. ખાસ વાત એ છે કે લગભગ 34 વર્ષ બાદ બંને દેશોના પ્રતિનિધિઓએ વોશિંગ્ટન ડીસીમાં સામસામે બેઠક કરી છે. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ હાજર રહ્યા હતા. આ ચર્ચાને 1983 પછીની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ જલ્દી જ બંને દેશોના નેતાઓને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરશે, જેથી આ કામચલાઉ યુદ્ધવિરામને કાયમી શાંતિમાં ફેરવી શકાય. લેબેનોન તરફથી પણ શાંતિ માટે સકારાત્મક સંકેત મળ્યા છે. પ્રમુખ આઉને યુદ્ધવિરામને આવકારતા કહ્યું કે પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ જાળવવા માટે આ પ્રયાસો જરૂરી છે.
હાલ માટે આખી દુનિયાની નજર આ 10 દિવસના સીઝફાયર પર ટકેલી છે, કારણ કે તે નક્કી કરશે કે મિડલ ઈસ્ટમાં તણાવ ઘટશે કે ફરી સંઘર્ષ વધશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





