મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલા હવાઈ હુમલા દરમિયાન એક કન્યા પ્રાથમિક શાળા પર મિસાઇલ પડતા 160થી વધુ વિદ્યાર્થીનીઓના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.
માહિતી અનુસાર હુમલો ત્યારે થયો જ્યારે શાળામાં સાતથી બાર વર્ષની વિદ્યાર્થીનીઓ ક્લાસમાં અભ્યાસ કરી રહી હતી. મિનાબમાં આવેલી શજારેહ તૈય્યબહ ગર્લ્સ સ્કૂલ પર થયેલો આ હુમલો હાલના ઈરાન સંઘર્ષની સૌથી કરૂણ ઘટનાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
AI ટેક્નોલોજીની ભૂલ હોવાની શંકા
આ દુર્ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું આ હુમલો જાણબૂઝીને કરવામાં આવ્યો હતો કે પછી યુદ્ધમાં વપરાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની કોઈ મોટી ભૂલથી આ ઘટના બની છે. આધુનિક યુદ્ધમાં હવે ઘણા કિસ્સાઓમાં ટાર્ગેટ નક્કી કરવા માટે AI આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ‘એલ્ગોરિધમ વોરફેર’ તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમો સેટેલાઇટ તસવીરો, ઈન્ટેલિજન્સ ડેટા અને અન્ય માહિતીના આધારે સંભવિત લશ્કરી લક્ષ્યોની ઓળખ કરે છે. અહેવાલો મુજબ અમેરિકાએ યુદ્ધ ટેક્નોલોજી માટે કેટલીક AI કંપનીઓ સાથે સહયોગ પણ કર્યો છે.
જૂના ડેટાના કારણે ટાર્ગેટિંગમાં ભૂલ?
પ્રાથમિક તપાસમાં એવું કહેવાઈ રહ્યું છે કે જ્યાં હાલ શાળા આવેલી છે, ત્યાં અગાઉ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)નો સૈન્ય બેઝ હતો. શક્યતા છે કે AI સિસ્ટમને અપડેટેડ માહિતી ન મળવાના કારણે જૂના ડેટાના આધારે આ સ્થળને લશ્કરી લક્ષ્ય તરીકે ઓળખવામાં આવ્યું હોય. જો આ દાવો સાચો સાબિત થાય તો યુદ્ધમાં AI ટેક્નોલોજી પર અતિશય નિર્ભરતા કેટલા ગંભીર પરિણામો આપી શકે છે તે અંગે મોટા પ્રશ્નો ઊભા થઈ શકે છે.
અમેરિકાએ તપાસના આદેશ આપ્યા
અમેરિકન સૈન્ય અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરવાની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય ઈરાદાપૂર્વક નાગરિક વિસ્તારો અથવા શાળાઓને નિશાન બનાવતા નથી. હાલ આ હુમલો મશીનની ભૂલ હતી કે કોઈ અન્ય કારણસર થયો હતો તે અંગે સ્પષ્ટતા તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે. જોકે આ ઘટનામાં અનેક પરિવારોને પોતાની નાની દીકરીઓ ગુમાવવાનો કરુણ ઘા લાગ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





