કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ નજીક થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સામેની દિશાથી આવી રહેલી ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ.
પોલીસે જણાવ્યું કે હિરિયુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રક અચાનક ડિવાઈડર ઓળંગી ગઈ હતી અને સામે આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. પોલીસને શંકા છે કે ટ્રક ડ્રાઈવર ડ્રાઈવિંગ દરમિયાન ઊંઘી ગયો હોઈ શકે છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રણજીતે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસનું નિરીક્ષણ કર્યું હતું. હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






